ભારતના 100 શહેરોમાં નોલેજ ફ્રેમ વર્ક ઓફ સીટીના આયોજન માટે એશિયન ડેવલપમેન્ટ બેંકની ટીમે સુરતની મુલાકાત લીધી
Surat : ભારત સરકાર દ્વારા વર્ષ 2047 માં દેશના 100 શહેરો વૈશ્વિક સ્તરે પહોંચે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરવા માટે નોલેજ ફ્રેમ વર્ક ઓફ સીટીઝ તૈયાર કરવાની જવાબદારી એશિયન ડેવલપમેન્ટ બેંકને સોંપવામાં આવી છે. દેશના અર્બન ગર્વમેન્ટ મોડેલમાં સુરતનું તંત્ર શ્રેષ્ઠ ગણાતું હોવાથી એશિયન ડેવલપમેન્ટ બેંકની ટીમે છેલ્લા ત્રણ દિવસથી સુરતની મુલાકાતે હતી. આ ટીમે આઈસીસીસી, ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર સપ્લાય જેવા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી આ ટીમ ભારતની નહીં પરંતુ ફિલિપાઇન્સના મનીલા હેડ ક્વાટર હાઈલેવલ કમિટી આવી હતી. અને સુરતની કામગીરીથી પ્રભાવિત થઈ હતી. સુરતની મુલાકાતથી મળેલ અનુભવની અન્ય શહેરો સાથે શેર કરશે.
દેશમાં સૌથી ઝડપી વિકાસ પામતા સુરત શહેર હવે અન્ય શહેરો માટે રોલ મોડલ બની રહ્યું છે. તેમાં પણ હાલમાં સુરત શહેરમાં વિવિધ પ્રોજેક્ટ દેશમાં વખણાઈ રહ્યાં છે અને વિવિધ એવોર્ડ પણ મળી રહ્યા છે. હાલમાં ભારત સરકાર દ્વારા વર્ષ 2047 સુધીમાં ઘણા લક્ષ્યાંક નક્કી કર્યા છે અને તેને હાંસલ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. ભારત સરકારે દેશના 100 શહેરો 2047 માં વૈશ્વિક કક્ષાએ પહોચે તે માટે નોલેજ ફ્રેમ વર્ક બનાવવાની કામગીરી એશિયન ડેવલપમેન્ટ બેંકને સોંપી છે.
ભારત સરકારના બજેટમાં વોટર સપ્લાય સુએઝ ટ્રીટમેન્ટ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બેંકેબલ પ્રોજેક્ટોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ભારત સરકાર આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી એશિયન ડેવલપમેન્ટ બેંકનું પ્રતિનિધિ મંડળ સુરત પાલિકામાં ત્રણ દિવસની મુલાકાતે આવ્યું હતું. આ ટીમે વોટર સપ્લાય, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, ટ્રીટેડ વેસ્ટ વોટર રીયુઝ તથા સેનીટેશન અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી આંતર માળખાકીય સુવિધાઓ ક્ષેત્રમાં વર્તમાન પ્રદર્શન, કરવામાં આવેલ પહેલ, ઉણપો, પડકારો, પ્રાથમિકતાઓ અંગેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત ભવિષ્યના રોડમેપ સમજવા સુરત મહાનગર પાલિકાની ક્ષમતા, આદર્શ કામગીરીની પધ્ધતિ તથા અર્બન ગવર્નન્સ બાબતે જાણકારી મેળવી હતી.
આ મુલાકાત બાદ મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે માહિતી આપતાં જણાવ્યું હતું કે એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડ કવાટર ફિલિપાઇન્સના મનીલા ખાતે છે, ત્યાંથી આવેલી ઉચ્ચસ્તરીય ટીમે, પાલિકાની વોટર સપ્લાય, સુએઝ ટ્રીટમેન્ટ, વેસ્ટ વોટર રીયુઝ જેવી માળખાકીય સુવિધાઓથી પ્રભાવિત થઈ છે. વોટર સપ્લાય, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, વેસ્ટ વોટર રીયુઝ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વિવિધ પ્રકલ્પોની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત વિવિધ પ્રોસેસિંગ પ્લાન્ટ જેવા કે સીએન્ડડી વેસ્ટ રીસાયકલીંગ પ્લાન્ટ, પ્લાસ્ટિક વેસ્ટ રીસાયકલીંગ પ્લાન્ટ, એ.પી.એમ.સી.નો બાયોગેસ બેઈઝ પાવર પ્લાન્ટ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં 24×7 સ્કાડા ઓપરેટેડ વોટર સપ્લાયની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. પાલિકાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ટ્રીટ થયેલું પાણી પણ તેઓએ પીધું હતું.
શહેરને ઈ.ડબ્લ્યુ.એસ. તથા પ્રધાનમંત્રી આવાસ યોજના, બી.આર.ટી.એસ., આઈ.સી.સી.સી. (ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એઝ ડિઝાસ્ટર રિસ્પોન્સ યુનિટ), ઈલેકટ્રીકલ વાહનોના પ્રમોશન માટે વ્હિકલ ટેક્સ રીબેટ તથા શહેરમાં વિવિધ જગ્યાએ વ્હીકલ ચાર્જીંગ સ્ટેશનની વ્યવસ્થા, સુરત મહાનગર પાલિકા દ્વારા નવી ઇલેક્ટ્રીક બસોની ખરીદી અને ડોર ટુ ડોર કલેકશન માટે ઇલેક્ટ્રિક વાહનની ખરીદીની કામગીરી ઉપરાંત ફાયર ટેક્સ, એન્વાયરમેન્ટ ટેક્સ દ્વારા વધારાની આવક અને પ્રોપર્ટી ટેક્સની મહત્તમ વસુલાત દ્વારા રેવન્યુ જનરેશન જેવી બાબતો અંગે આ ટીમ સામે પ્રેઝનટેશન કરવામાં આવ્યું હતું. સુરતની મુલાકાત બાદ માળખાકીય સુવિધાઓથી પ્રભાવિત થયેલ છે તથા સુરત મહાનગર પાલિકાની મુલાકાતથી મળેલ અનુભવની અન્ય શહેરો સાથે આ અનુભવ શેર કરશે.
ટીમમાં આ સભ્યો આવ્યા હતા
નોલેજ ફ્રેમ વર્ક ઓફ સીટીના આયોજન માટે એશિયન ડેવલપમેન્ટ બેંકની ટીમ સુરત ખાતે આવી હતી. તેમાં મનીલા ફીલીપાઈન્સના હેડ ક્વાટર્સની ટીમમાં મનોજ શર્મા, પેટ્રીક લાવેરી, ભાવેશ કુમાર, દિવ્યા રવિકુમાર, મહેશ હરહરે અને શ્રીરંગ દેશપાંડેનો સમાવેશ થયો હતો. આ ટીમે ત્રણ દિવસ સુરત પાલિકાના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લેવા સાથે સાથે પાલિકાના અધિકારીઓ દ્વારા કરેલું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.
પાલિકાના આ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન
- સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ
- આઇ ત્રીપલ સી
- વોટર સપ્લાય સીસ્ટમ
- ફાયનાન્સ રિફોર્મ્સ
- વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને રીયુઝ
- નવા નાણાકીય સ્ત્રોત ઉભા કરવામાં ટેકનોલોજીનો ઉપયોગ
- પ્રધાનમંત્રી આવાસ યોજના
- સુડા અને સુરત પાલિકા વચ્ચે કો-ઓર્ડીનેશન
- ઇલેકટેડ વિંગની ભૂમિકા અને વહીવટી તંત્ર સાથે સંકલન
આવકના નવા સ્ત્રોત ઉભા કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
સુરતમાં આવેલી એશિયન ડેવલપમેન્ટ બેંકની ટીમ સામે અનેક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા. જેમાં હવે આગામી દિવસોમાં સુરત પાલિકાના આવકના નવા સ્ત્રોત ઉભા કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટેની ચર્ચા પણ કરવામાં આવી હતી. એશિયન ડેવલપમેન્ટ બેંકની હાઈલેવલ કમિટી સમક્ષ વિવિધ મુદ્દાની છણાવટ કરવામાં આવી હતી આ ટીમે પાંડેસરામાં અપાતા ટર્શરી ટ્રીટના પાણીનો ઉપયોગ કરતાં ઉદ્યોગકારોને પણ મળ્યા હતા,. આ સાથે સાથે પાલિકામાં આવકના નવા સ્ત્રોત ઉબા કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પણ સૂચન કર્યું હતું. આ ટીમ સુરતથી જે ફીડબેક લઈ ગઈ છે તે સરકાર તથા દેશના અન્ય શહેરો સાથે સંકલન કરીને શેર કરશે.