આરોપીને પકડવા રાજકોટ પોલીસ બની સાધક, આસારામ કેસના સાક્ષીનો હત્યારો કર્ણાટકથી ઝડપાયો
Asaram Case: સગીરા પર દુષ્કર્મના કેસમાં આસારામ વર્ષ 2013થી જેલના સળિયા પાછળ છે. જ્યારે આસારામ પર દુષ્કર્મનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે આ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની રાજકોટમાં હત્યા કરાઈ હતી. હવે 10 વર્ષ બાદ રાજકોટ પોલીસે અમૃત પ્રજાપતિના હત્યારા 37 વર્ષીય કિશોર બોડકેને કર્ણાટકથી ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કર્ણાટકના આશ્રમ ખાતે સાધક બનીને પહોંચી હતી. બે દિવસ સુધી આશ્રમમાં સાધક બનીને કિશોર બોડકેની હાજરી હોવાની તપાસ કરી હતી.
આરોપી કર્ણાટકના જુદા-જુદા આશ્રમમાં રહ્યો હતો
ક્રાઈમ બ્રાંચના ડી.સી.પી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જે- તે વખતે આસારામ સામે કાંઈપણ બોલનાર લોકોનું એક હિટ લીસ્ટ તૈયાર કરાયું હતું. ત્યાર બાદ તેમની હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જેમાં આરોપી કિશોર બોડકેની મુખ્ય કાવતરાખોર તરીકે ભૂમિકા હતી. આખા ભારતભરમાં આસારામ અને તેના ટ્રસ્ટના 400થી વધુ આશ્રમ છે. જેમાં કિશોર બોડકે રહેતો હોવાની માહિતી મળી હતી. તે મુખ્યત્ત્વે અત્યાર સુધી વડોદરા, સુરત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના જુદા-જુદા આશ્રમમાં રહેતો હતો. જ્યાં તે સેવક તરીકે કામ કરી રહ્યો હતો.'
આ પણ વાંચો: એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
'અગાઉ આ કેસમાં જે મુખ્ય આરોપી કાર્તિકેય પકડાયો હતો તેની સાથે મદદગારી અને કાવતરામાં તેની ભૂમિકા હતી. જે લોકો આસારામનો વિરોધ કરતા તેની હત્યા કરવામાં આવતી હતી. આસારામ સામે અમદાવાદ, સુરત અને જોધપુર વગેરે શહેરોમાં ગુના નોંધાયા હતા. જેમાં હત્યાનો ભોગ બનનાર અમૃત પ્રજાપતિ પોલીસના સાક્ષી હતા. એટલું જ નહીં ટીવી ડીબેટમાં આશ્રમમાં ખરેખર શું-શું ચાલે છે તેની માહિતી આપતા હતા. કારણ કે તેમણે ખુદ 10 વર્ષ સુધી આસારામ આશ્રમમાં વૈદ તરીકે સેવા આપી હતી. આરોપી કિશોર બોડકે વિરૂધ્ધ આસારામ સામે બોલનારા વ્યક્તિઓ ઉપર એટેક, એસિડ-એટેક, છરી-ધોકાથી હુમલાના ત્રણ કેસ સુરતમાં નોંધાયા છે.
વર્ષ 2014મા અમૃત પ્રજાપતિની હત્યા થઈ હતી
દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધક અમૃત પ્રજાપતિ વૈદ્યની ઉપર રાજકોટમાં ફાયિંરગ કરીને હત્યા કરાઈ હતી. 23મી મે 2014ના રોજ રાજકોટમાં પેડક રોડ ઉપર ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવેલા શાર્ર શૂટરે અમૃત પ્રજાપતિ ઉપર ફાયરિંગ કર્યું હતું. ફાયિંરગમાં પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર ઇજા થઇ હતી. પહેલા સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. નોંધનીય છે કે, હુમલા બાદ ભાગવાના પ્રયાસમાં હત્યારાની બે પિસ્તોલ સ્થળ ઉપર જ પડી ગઈ હતી. આખરે દસ વર્ષ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી અમૃત પ્રજાપતિના હત્યારાને કર્ણાટકથી પકડી પાડ્યો છે.