Get The App

48 કલાક ડૂબ્યા બાદ વડોદરાવાસીઓનો ઘા રૂઝવવા સરકારનો 16 વર્ષ જૂનો 1200 કરોડનો મલમ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
Bhupedra patel and  Harsh Sanghavi


Vishwamitri Project Vadodara: રાજ્યના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે ગયા હતા ત્યારે ગઇકાલે તેમણે આ યોજના શરૂ કરવાની જાહેરાત હતી. આ પ્રોજેક્ટમાં વિશ્વામિત્રી નદીનું વહેણ વિશાળ કરવાનો અને નદી તેમજ કોતરોમાં થયેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવાનો સમાવેશ થાય છે. સ્થાનિક પ્રશાસને 2008માં આ યોજનાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ પેન્શનપુરામાં સ્થળાંતર કરાયેલા પૂરગ્રસ્તોની મુલાકાત લેતી વખતે કહ્યું હતું કે સંપૂર્ણ જળ વ્યવસ્થાપન માટે આ યોજના શરૂ કરાશે.

ગેરકાયદે બાંધકામ, તંત્રના પાપે 48 કલાક ડૂબ્યા વડોદરાવાસીઓ

નદીની સુધારણા માટેનો આ પ્રોજેક્ટ છેલ્લા 16 વર્ષથી પાઈપલાઈનમાં છે અને તેના ઉપર સરકારે કોઈ કાર્યવાહી કરી નથી કે સ્થાનિક સંસ્થા તેને મંજૂર કરાવી શકી નથી. રાજ્ય સરકારે પૂરની પરિસ્થિતિ અને નુકસાનનો વ્યાપ જોતાં આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વડોદરામાં પૂરના પાણીને નાથવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સદંતર નિષ્ફળ ગયું છે. લોકોના જાનમાલને ખૂબ નુકસાન થયું છે. જીવન આવશ્યક ચીજવસ્તુઓ માટે લોકો તડપી રહ્યાં છે. 

મંત્રીઓ ફ્લડ ટુરિઝમ કરીને પાછા ફરે છે

વડોદરાની સ્થિતિ ગંભીર હોવાથી સરકારના કેબિનેટ મંત્રીઓને એક પછી એક એમ દોડાવવામાં આવી રહ્યાં છે પરંતુ તેઓ ફ્લડ ટુરિઝમ કરીને પાછા આવે છે. ભાજપના સ્થાનિક નેતાઓ સામે પણ લોકઆક્રોશ ભભૂકી રહ્યો છે. વડોદરામાં પૂરના પાણીના કારણે મોતનો આંકડો વધી રહ્યો છે. સત્તાવાર આઠ લોકોના મોત નોંધાયા છે.

આ પણ વાંચો: પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડૉઝર પર, સોશિયલ મીડિયા વાયરલ વીડિયોથી કૂતુહલ

16 વર્ષ પહેલાં જાહેર કરેલી વિશ્વામિત્રીની નદી માટેની યોજનાને મંજૂરી 

મધ્યમ વર્ગના પરિવારો અને ગરીબ લોકો બેઘર બની ગયા છે તેવા સમયે ભારે નુકસાન થતાં સરકારને જૂની યોજના યાદ આવી છે. દરમ્યાન સ્થાનિક પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચૂકવવા માટે કમિટી બનાવીને આદેશ કર્યો છે. પૂરના પાણી ઓસરી રહ્યાં છે પરંતુ તેના કારણે થયેલી ગંદકીથી લોકોની આપદામાં વધારો થયો છે. સરકારને રોગચાળાનો ભય હોવાથી આરોગ્ય વિષયક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. વડોદરાના પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે નદીની કેરીંગ કેપેસિટી વધારવા માટેના આ પ્રોજેક્ટને ઝડપથી શરૂ કરવામાં આવશે. 

48 કલાક ડૂબ્યા બાદ વડોદરાવાસીઓનો ઘા રૂઝવવા સરકારનો 16 વર્ષ જૂનો 1200 કરોડનો મલમ 2 - image


Google NewsGoogle News