મોતિયાના ઓપરેશન માટે આવેલા વૃદ્ધા સાથે વોર્ડમાં કોઈ ન હોવાથી પોલીસને જાણ કરાઇ
- સિવિલમાં એકલા સારવાર માટે ગયા તો પોલીસને જવાબ આપવો પડશે
- ગોડાદરાના 60 વર્ષના વૃધ્ધા સારવાર માટે આંખ વિભાગમાં જાતે
આવ્યા હતા :સિવિલના અધિકારીએ કહ્યુ કે,
પરિપત્ર હોવાથી દર્દીનું
એમ.એલ.સી કરાવ્યુ
સુરત :
નવી સિવિલમાં અમુક વખત બીમાર દર્દીઓની સાથે કોઈ ન હોય તો મેડિકલ લીગલ કેસ (એમ.એસ.સી) કરવામાં આવે છે. પણ હવે મોતિયાના ઓપરેશન કરાવવા આવેલા ગોડાદરાના વૃદ્ધ દર્દી સાથે વોર્ડમાં કોઈ ન હોવાથી ડોક્ટર દ્વારા એમ.એસ.સી કેસ કરી પોલીસને જાણ કરતા દર્દી હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
સુરત સહિતના વિસ્તારોમાં માર્ગ અકસ્માત, મારામારી, પડી જવા, કરંટ, દાઝી જવા સહિતના ઇજા પામેલા દર્દીઓને સારવાર માટે નવી સિવિલ સહિત સરકારી હોસ્પિટલમાં જાય છે. ત્યારે જે તે હોસ્પિટલના ડોક્ટર એમ.એલ.સી કરાવતા હોય છે. જ્યારે આ દર્દીઓ વધુ સારવાર અને નિદાન માટે હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. તે સમયે મેડિકલ ઓફિસર કે વોર્ડના ડોક્ટર દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા હોય છે. પણ નવાઈની વાત એ છે કે સિવિલમાં તાવ, ઝાડા, ઉલટી સહિતની બીમારી પીડાતા દર્દી સારવાર માટે આવે છે. જોકે આ દર્દીઓ સાથે વોર્ડમાં સેવાચાકરી માટે કોઈ ન હોય તો વોર્ડના ડોક્ટર દ્વારા તે દર્દીને એમ.એલ.સી કરીને પોલીસને જાણ કરે છે. તવા સમયે ગોડાદરામાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય નિર્મલાબેન શીવાભાઈ સહાની બુધવારે સવારે નવી સિવિલમાં મોતિયાના ઓપરેશન માટે આવ્યા હતા. જોકે તેમની સાથે તેમના પરિચિત કે પરિવારના સભ્યો ન હોવાથી સિવિલના આંખ વિભાગના ડોક્ટરે એમ.એલ.સી કરાવી સિવિલ ચોકીના પોલીસને જાણ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, સિવિલમાં સારવાર માટે આવતા અજાણ્યા વ્યક્તિ કે, જેનું નામ કે સરનામું ખબર ન એવા વ્યક્તિ કે જે દર્દીની હાલત ગંભીર હોય અને તે બોલી શકતા ન હોય અને તેમની સાથે કોઈ ન હોય, એવા દર્દીનું એમ.એસ.સી કરવામાં આવે તે યોગ્ય છે. પણ હવે કેટલાક સમયથી સિવિલમાં અમુક ડોકટર દ્રારા બીમારી સપડાયેલા દર્દી પોતાની જાતે ચાલીને સારવાર કરાવવા માટે સિવિલમાં આવે અને તેની સાથે કોઈ ન હોય, તો પણ અમુક ડોક્ટર દ્વારા એમ.એલ.સી કરીને પોલીસને જાણ કરવામાં આવતી હોવાનું સૂત્રએ જણાવ્યું હતું. સિવિલના ઇન્ચૉજ તબીબી અધિક્ષક ડો. જીગીષાબેન પાટોડીયાએ કહ્યુ કે, આગાઉના અધિકારીએ પરિપત્ર જારી કહ્યો કે, જે દર્દીને વોર્ડમાં દાખલ કરવામાં આવે, તેની સાથે કોઇ ન હોય, દર્દી ઉંમરલાય હોય, જોકે દર્દી કંઇ થાય કે તેમના સંબંધીઓ શોધવા માટે કે દર્દીના હિત જળવાઇ રહે તે માટે પરિપત્ર કાઢવામાં આવ્યો હતો. જેથી આ દર્દીનું એમ.એલ.સી કરાવ્યુ હશે. જોકે આગામી દિવસમાં પરિપત્રમાં સુધારો કરવા અંગે અધિકારી અને સિનિયર ડોકટર સાથે ચર્ચા કરવામાં આવશે. બાદમાં ફેરફરા થશે.