વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાથી વિદ્યાર્થીઓને 10 કિ.મી.નો ફેરો
- બિલોદરાથી મહુધા રોડ પર બ્રિજ બંધ
- કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે બ્રિજ પસાર કરવા મજબૂર : બસની વ્યવસ્થા કરવા માંગ
બિલોદરા સહિત મહુધા તરફના અન્ય ગામોના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું છે કે, શેઢી નદી પરના બ્રિજની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે હાલ મહુધા તરફના ગામોના નાગરીકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. ખાસ કરીને મહુધા તરફના રોડ પર આવેલા બિલોદરા અને અન્ય ગામોના વિદ્યાર્થીઓ નડિયાદ તરફ શાળાઓએ આવે છે. જેથી આ બ્રિજ બંધ કરી દેવાતા, વિદ્યાર્થીઓને ૧૦ કિ.મી. ફરીને શાળાએ જવાની ફરજ પડી રહી છે. તો સાથે જ કેટલાક વિદ્યાર્થીઓ જોખમી રીતે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે વાલીઓના જીવ તાળવે ચોંટયા છે.
ગ્રામજનોના જણાવ્યાનુસાર અત્રે હાલ નદીમાં પાણીનો પ્રવાહ વધુ છે અને બ્રિજની કામગીરી ચાલુ હોવાથી અવર-જવર બંધ છે. વિદ્યાર્થીઓને પરીક્ષા નજીક છે, તેવા સમયે શાળાએ સમયસર પહોંચવુ જરૂરી છે, જેથી પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડવા બસની વ્યવસ્થા કરાય તેવી માંગણી કરી છે.