સુપ્રમી કોર્ટના જજ આવવાના હોવાથી ડાકોરમાં રાતોરાત રોડ બની ગયા
- જસ્ટિસ એસ. સૂર્યકાંતે રણછોડરાયના દર્શન કર્યા
- ભીના રોડ પર ડામર પાથરી દેવાયો, તંત્રએ ખાડા પૂરી સફાઈ કરી ડાકોરને ચોખૂચણાક કરી દીધું
ડાકોરના ઠાકોરજીને ધજા ચઢાવવા અને આરતીના દર્શન કરવા સુપ્રીમ કોર્ટના જજ એસ સૂર્યકાંતનું આજે સાંજે ચાર વાગે આગમન થયું હતું. તેઓએ ઉસ્થાપન આરતી કરી પગપાળા જઈ લક્ષ્મીજીના દર્શન કર્યા હતા. તેમના પ્રોટોકોલમાં હાઇકોર્ટના જજીસ, જિલ્લા કલેકટર, એસપી સહિતનો સ્ટાફ સાથે હાજર રહ્યા હતા. સુપ્રિમકોર્ટના જજ દર્શને આવવાના હોવાથી ડાકોરમાં પ્રવેશવાના માર્ગથી મંદિર સુધી ભીના રોડ પર તાબડતોબ ડામર પાથરી સુદ્રઢ બનાવી દેવામાં આવ્યો હતો. માર્ગ પરના ખાડાઓ પણ ત્વરિત પુરી દેવામાં આવ્યા હતા. ડાકોરમાં દશેરાએ ઠાકોરજીની સવારી આજે રોડપરથી પસાર થઈ હતી ત્યારે કોઇ મહત્તમ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નહતી તેવું ડાકોરના નગરજનોના મુખે સાંભળવા મળ્યું હતું. જો કે, ભીના રોડ ઉપર ડામર પાથરી ખોડો ખર્ચ કરી ડાકોર સ્વચ્છ હોવાનો દેખાડો કર્યો હોવાની ચર્ચા લોકો કરી રહ્યા હતા.
બીજી તરફ વારંવાર રજૂઆતો છતાં સમસ્યા સામે આંખ આડા કાન કરતા તંત્રએ રાતોરાત સફાઈ કરી રોડ બનાવી દેતા ડાકોરમાં દર મહિને સુપ્રિમકોર્ટના જસ્ટિસ આવે અને ગામાના તમામ માર્ગો પર પદયાત્રા કરીને ઠાકોરજીના દર્શન કરે તેવી પણ માંગણી અને લાગણી નગરજનો કરી રહ્યા હતા.