હત્યાની કોશિશના ગુનામાં પોલીસે આરોપીનું સરઘસ કાઢતા લોકો ટોળે વળ્યા
પોલીસે ગુનાનું રિકન્સટ્રક્શન કરાવ્યું : આરોપી સોમવાર સુધી રિમાન્ડ પર
વડોદરા,યાકુતપુરામાં ટોળાએ જાહેરમાં તલવાર જેવા મારક હથિયારો સાથે હુમલો કરી માતા અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડી હતી. જે ગુનામાં પકડાયેલા આરોપીની સિટિ પોલીસે ધરપકડ કરી તેના વિસ્તારમાં ફેરવી સરઘસ કાઢતા લોકો ટોળે વળ્યા હતા.
યાકુતપુરામાં પટેલ ફળિયામાં રહેતા અનસ મોહંમદઇમરાન રંગરેઝે સિટિ પોલીસ સ્ટેશનમાં યાકુતપુરામાં મસ્જિદની ગલીમાં રહેતા ઇસામુદ્દીન, કુતમુદ્દીન, જીયાઉદ્દીન, અનસ અને પટેલ ફળિયામાં રહેતા મોઇન સૈયદ, મુબીન સૈયદ, સકરબાનુ અને મહેમુદાબાનુ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે,મારા મોટાભાઇ અરબાઝના પ્રેમ સંબંધના કારણે ઇસાઉદ્દીને મારા ભાઇનું આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી માર મારી અપહરણ કર્યુ હતું. તેઓને સરસીયા તળાવ પાસે લઇ જઇ માર માર્યો હતો. ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે હું બાઇક લઇને નમાઝ પઢવા માટે ઘેરથી નીકળી મદાર હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે મુબીન સૈયદે મને રોકી અપશબ્દો બોલી ફેંટો મારવા લાગ્યો હતો.
આ વખતે આને મારી નાંખો તેવી બૂમો પાડતું ટોળું હાથમાં તલવાર, લોખંડની પાઇપ જેવા મારક હથિયારો સાથે ઘસી આવ્યું હતું અને મારી પર તૂટી પડયું હતું. ઇસાઉદ્દીને મારા માથામાં તલવાર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી . આ ગુનામાં સામેલ આરોપી ઇસાઉદ્દીન અલાઉદ્દીન સૈયદ (રહે. પટેલ ફળિયા પાસે, યાકુતપુરા)ની સિટિ પોલીસે ધરપકડ કરી છે. ડીસીપી પન્ના મોમાયાની સૂચના અને એ.સી.પી. એમ.પી.ભોજાણીની માર્ગદર્શન મુજબ પી.આઇ. આર.બી.ચૌહાણે આરોપીને યાકુતપુરા વિસ્તારમાં લઇ જઇ બનાવનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું. જેના પગલે લોકો ટોળે વળ્યા હતા અને આરોપીનું સરઘસ પોલીસે કાઢ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.