વડોદરા: છાણીમા તળાવ ઓવરફ્લો થતાં જળના વધામણા કરી જળદેવીને ખમૈયા કરવા પ્રાર્થના
વડોદરામાં ભારે વરસાદ અને પુર બાદ વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવો ઓવરફ્લો થઈ ગયા છે, ત્યારે વોર્ડ 1માં છાણી વિસ્તારમાં આવેલું તળાવ ઓવરફ્લો થતાં આસપાસની 20 સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોની હાલત કફોડી થઈ છે. વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલરના કહેવા મુજબ છાણી ગામમાં વર્ષોની પરંપરા અનુસાર ઘરડા લોકો જ્યારે તળાવમાં પાણી ભરાઈ જાય અને રેલમછેલ સર્જાય ત્યારે જળદેવીની પૂજા કરે છે, અને હવે ખમૈયા કરવા પ્રાર્થના કરે છે. આજે સવારે ગામના 50 લોકોએ તળાવ ખાતે જઈને જળના વધામણા કર્યા હતા અને જળદેવીની પૂજા કરી હતી.
તળાવમાં પાણીનો કુંભ રેડીને નાળિયેર અર્પણ કરી હવે ખમૈયા કરવા કહ્યું હતું. ગામમાં પાણી બહુ થઈ ગયું છે, અને લોકોને જે તકલીફ પડી રહી છે તેમાંથી મુક્તિ આપવા પ્રાર્થના કરી હતી.