લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વડોદરામાં ચૂંટણી બહિષ્કારના બેનરો પણ લાગવા માંડ્યા
વડોદરા, તા. 17 માર્ચ 2024, રવિવાર
લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ વડોદરામાં તો ચૂંટણી બહિષ્કારના બેનરો પણ લાગવાના શરુ થઈ ગયા છે.દર વખતે ચૂંટણી ટાણે વિકાસથી વંચિત લોકોનો રોષ સપાટી પર આવતો હોય છે અને આ વખતે તો શહેરના વડસર વિસ્તારની કેટલીક સોસાયટીઓના લોકોએ ચૂંટણી જાહેર થયાના બીજા જ દિવસે લોકોએ મતદાન નહીં કરવાનુ એલાન કરી દીધુ છે.
વડસરમાં આવેલી મુદ્રા હાઈટસ, સંસ્કૃતિ રેસિડન્સી, અંબે એન્ક્લેવ અને બીજી કેટલીક સોસાયટીઓના લોકોએ આજે દેખાવો કર્યા હતા અને ચૂંટણી બહિષ્કારના બેનરો દર્શાવ્યા હતા.અહીંના રહેવાસીઓએ કહ્યુ હતુ કે, છેલ્લા 6 વર્ષથી રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટ માટે દરેક સ્તરે રજૂઆત કરીને થાકી ગયુ છે પણ કોઈ પરિણામ મળ્યુ નથી.ના છુટકે હવે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે.અમે અમારી સોસાયટીઓમાં કોઈને ઘૂસવા દેવાના નથી.
લોકોનુ કહેવુ હતુ કે, અમે 2500 ટીડીએસ વાળુ બોરવેલનુ પાણી વાપરી રહ્યા છે.જેના કારણે અમારા તો ઠીક છે પણ બાળકોના માથાના વાળ પણ ખરી રહ્યા છે.રસ્તો નહીં બન્યો હોવાથી ચોમાસામાં પાણી ભરાય છે.બાળકો સ્કૂલે જાય અને ઘરે પાછા આવે ત્યાં સુધી અમે ટેન્શનમાં રહીએ છે.રીક્ષાચાલકો પણ અહીંયા આવવા માટે તૈયાર નથી થતા.અમારી સમસ્યાઓ પ્રત્યે ધ્યાન ખેંચવા માટે ચૂંટણી બહિષ્કારનુ એલાન આપવુ પડયુ છે.એ પછી પણ પાયાની સુવિધાઓ નહીં મળે તો અમે કોર્પોરેટરોના ઘરોની સામે દેખાવો કરીશું.