ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં 15 બેઠકો માટે 100 જેટલાં ઉમેદવારી ફોર્મ ભરાયાં, આજે ફોર્મની ચકાસણી થશે
Unjha APMC Election : ઊંઝા એપીએમસીની 15 બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બુધવારે ફોર્મ ભરાતા દિવસભર એપીએમસીમાં મેળા જેવો માહોલ રહ્યો હતો. ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, પુર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ તેમજ પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ સહિત વેપારીઓ અને ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા.
ઊંઝા એપીએમસીમાં ખડૂત વિભાગની દસ, વેપારી વિભાગની ચાર, અને ખરીદ વેચાણ મંડળીની એક બેઠક મળીને કુલ 15 બેઠકોની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ લેવા અને ભરવા માટે સવારે 11 :00 થી 5:00 વાગ્યા સુધી વેપારીઓ ખેડૂતો ઉમટી પડતાં દિવસભર રાજકીય માહોલ જોવા મળ્યો હતો. ચૂટણીમાં ખેડૂત વિભાગમાંથી એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ તેમજ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ અને ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.
આજે ગુરૂવારે ફોર્મ ચકાસણી થશે ત્યારબાદ તા.9મીએ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કરોડોનું ટર્ન ઓવર ધરાવતા માર્કેટયાર્ડમાં સત્તા મેળવવા માટે દિનેશ પટેલ અને કિરીટ પટેલના જૂથો દ્વારા મતદારોને રીઝવવા માટે રસોડા શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે ભાજપ દ્વારા કયા જૂથના આગેવાનને મેન્ડેટ અપાશે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના એક વ્યક્તિ એક હોદ્દાના સૂત્રનો ઊલાળિયો
માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને છેલ્લા ઘણાં સમયથી ભાજપના જ બે જૂથો દ્વારા મેન્ડેટ મેળવવા માટે પ્રદેશ કક્ષા સુધી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે થોડા સમય પહેલાં મંડળીના પ્રતિનિધિઓએ ઉમેદવાર અમારો હોવા જોઈએ તેવી રજૂઆત મહેસાણા કમલમ્ ખાતે કરવામાં આવી હતી અને જો મતદારયાદી બહારના ઉમેદવારને મેન્ડેટ આપશે તો પરિણામ કઈક વિપરીત જ આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.જેને લઈને સરકાર પણ દ્વિધામાં મુકાઈ છે. સરકાર કોને મેન્ડેટ આપશે તે કહેવું મુશ્કેલ છે. સરકાર મેન્ડેટ આપવા બાબતે અનેક સવાલો ઉભા થયા છે.
આજે ફોર્મની ચકાસણી થશે
ઊંઝા એપીએમસીમાં 15 બેઠકોની ચૂંટણી માટે 100 ફોર્મ ભરાયાં છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 74 ફોર્મ ભરાયા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 24 ફોર્મ ભરાયા છે. તેમજ ખરીદ - વેચાણ વિભાગની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે. આવતીકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે.