સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કૃત્રિમ તેજીનો ફુગ્ગો ફૂટ્યો, પેઈડ FSIના 625 કરોડના ચેક રિટર્ન
Real Estate Sector Surat: સુરતના રીઅલ એસ્ટેટ ક્ષેત્રે ચિંતાજનક ચિત્ર ઉપસી રહ્યું છે. કરોડો રૂપિયાની જમીન ઉપર પ્રોજેક્ટ શરૂ કરનારા નામી-અનામી બિલ્ડરોની આર્થિક સ્થિતિને લઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. મહાપાલિકાને પેઈડ FSI (ફલોર સ્પેસ ઈન્ડેક્ષ) પેટે થતી વધારાની આવકનો ગ્રાફ ડચકાં ખાઈ આગળ વધી રહ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર દરમિયાન પેઇડ એફએસઆઇ પેટે બિલ્ડરોએ મહાપાલિકામાં જમા કરાવેલા એડવાન્સ ચેક પૈકી રૂ.625 કરોડના ચેક બાઉન્સ થતા બાંધકામ ઉદ્યોગમાં દેખાતી કૃત્રિમ તેજી વચ્ચે આર્થિક સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી છે.
મહાપાલિકા દ્વારા શહેરના બાંધકામ ઉદ્યોગને અપાતી વિકાસ પરવાનગી વચ્ચે પેઈડ એફએસઆઈ મેળવી હાઈરાઈઝ ટાવરનું નિર્માણ કરનારા અનેક બિલ્ડરોની આર્થિક દશા ધંધાકીય પ્રવાહને કારણે બગડી છે. એકતરફ મહાપાલિકાનો શહેરી વિકાસ વિભાગ પેઈડ એફએસઆઈ પેટે થઈ રહેલી આવક જોઈ હરખાઈ રહ્યો છે. બીજીતરફ બિલ્ડરો તરફથી આપવામાં આવેલા ચેક બાઉન્સ થતાં જોઈ એકાઉન્ટ વિભાગ ચિંતાગ્રસ્ત બન્યો છે.
મળતી વિગતો મુજબ વર્તમાન નાણાંકીય વર્ષમાં શહેરના વિવિધ બિલ્ડરોએ પેઈડ એફએસઆઈ પેટે અત્યાર સુધી જમા કરાવેલી રકમ પૈકી 625 કરોડની રકમના મળેલા એડવાન્સ ચેક બાઉન્સ થયા છે. આ જોઈ તંત્રના અધિકારીઓ પણ ચૌંકી ઉઠ્યા છે. કેટલાક ડેવલપર્સ તેમને ભરવાની થતી રકમ થોડા જ દિવસોમાં સગવડ કરી મહાપાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધી છે. જોકે, જે બિલ્ડરોના ચેક બેંકમાંથી રિટર્ન થયા છે. તેમાં કેટલાક જાણીતા નામો કે ગ્રુપ પણ હોવાનું મહાપાલિકાના વર્તુળે ઉમેર્યું હતું.
મહાપાલિકાએ રિટર્ન થયેલા ચેકોની વિગત જાણી જે-તે પ્રોજેક્ટના બિલ્ડર કે આર્કિટેક્ટનો સંપર્ક કર્યો હતો. જેને પગલે અત્યાર સુધી 425 કરોડની રકમ રિક્વર કરવામાં તંત્રને સફળતા મળી છે. હજી પણ 175 કરોડથી વધુની રકમના લેણાં બાબતે મહાપાલિકા દ્વારા જે તે ડેવલપર ગ્રુપ પાસેથી રિક્વરી કરવાનું યથાવત રહ્યું છે.
5૦થી વધુ ડેવલપર્સ રિટર્ન ચેકના રૂપિયા ભરવામાં હજુ સુધી અસમર્થ
વર્તમાન નાણાંકીય વર્ષના આઠ માસ પૂર્ણ થયા છે. આ વખતે પેઈડ એફએસઆઈ પેટે રેકોર્ડ બ્રેક આવક થવાની ગણતરી મંડાઈ છે. બીજીતરફ રિટર્ન થયેલા ચેકને કારણે ગણિત બગડ્યું છે. મહાપાલિકા દ્વારા રિટર્ન થયેલા ચેક ઉપર વાર્ષિક 18 ટકા વ્યાજ અને 8.5 ટકા પેનલ્ટી વસુલ કરાય છે. જેને પગલે ડેવલર્સના માથે મહિને સરેરાશ બે ટકા લેખે વ્યાજનું ચક્કર ફરી રહ્યું છે. બેંકમાં રિટર્ન થયેલા ચેકો પૈકી ઘણાખરાંએ રકમ જમા કરાવી દીધી છે.
પરંતુ હજી 5૦થી વધુ ડેવલપર્સ એવા પણ છે જેમને હજી સુધી તેમના બાકી લેણાં મહાપાલિકાની તિજોરીમાં જમા કરાવ્યા નથી. આ તમામ બિલ્ડરોના માથે વ્યાજ અને પેનલ્ટીનું ચક્ર ફરી રહ્યું છે. આ પૈકી કેટલાકની આર્થિક સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ચુકી છે કે તેઓ પેઈડ એફએસઆઈની રકમ ભરવામાં અસમર્થતા દર્શાવી ચૂક્યા છે. વ્યાજના ખપ્પરમાં ફસાયેલા આવા ડેવલપર્સના પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂક્યા હોવા છતાં તેઓ સરકારી લેણાં ભરપાઈ નહીં કરી શકવાને કારણે બીયુસી મેળવી શકતા નથી એવું તંત્રના વર્તુળોએ કહ્યું હતું.
સુરતમાં ચારે દિશામાં એકથી એક ચઢિયાતા પ્રોજેક્ટ ઉભા થયા છે પણ હાલમાં બધા ખાલીખમ
સુરત શહેરમાં ચારેય દિશામાં એકથી એક ચઢિયાતા અને લકઝુરિયસ પ્રોજેક્ટો કરી રહેલા બિલ્ડરો પૈકી કેટલાક આર્થિક ચક્રવ્યુહમાં ફસાયા છે. પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂક્યો હોવા છતાં પેઈડ એફએસઆઈની રકમ ભરી નહીં શકતા બીયુસી મેળવવામાં થોભો અને રાહ જુઓની સ્થિતિએ આવી પહોંચ્યા છે. જેને કારણે ફ્લેટો સાથે તૈયાર થઇ ગયેલા ઘણા રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ હાલમાં પણ ખાલીખમ પડી રહ્યા છે.