Get The App

વડોદરાના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં આવ્યા નવા મહેમાન : એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વાઘ-વાઘણની જોડીનું આગમન

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
વડોદરાના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં આવ્યા નવા મહેમાન : એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વાઘ-વાઘણની જોડીનું આગમન 1 - image


Vadodara Kamati Baug Zoo : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતેના પ્રાણીસંગ્રહાલયમાં વાઘ અને વાઘણની જોડી લાવવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મળતા આ બંને પ્રાણીને લાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા નાગપુર નજીક આવેલા ગોરેવાડા ગામ ખાતે બાળાસાહેબ ઠાકરે ઝુ બનાવવામાં આવ્યું છે, ત્યાંથી આ વાઘ વાઘણને લાવવામાં આવ્યા છે. બંનેની ઉંમર ચાર પાંચ વર્ષની છે. જેના બદલામાં વડોદરા કોર્પોરેશનએ ઝૂ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બાળાસાહેબ ઠાકરે ઝુને 10 પ્રજાતિના 15 જેટલા પક્ષીઓ આપવામાં આવ્યા છે. જેમાં બતક, બગલા, ચકલીઓ, પોપટ અને શાહુડીનો સમાવેશ થાય છે.

વડોદરાના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં આવ્યા નવા મહેમાન : એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વાઘ-વાઘણની જોડીનું આગમન 2 - image

વાઘ-વાઘણની જોડી લેવા માટે કોર્પોરેશનના પ્રાણીસંગ્રહાલયના અધિકારી ડો.પ્રત્યુષ પાટણકર તેમની ટીમ સાથે ગયા સોમવારે વડોદરાથી રવાના થયા હતા. મંગળવારે આશરે રોડ માર્ગે 850 કિમી નું અંતર કાપીને તેઓ ગોરેવાડા પહોંચ્યા હતા. જ્યાં વડોદરાથી લઈ જવાયેલા પક્ષીઓ સોપ્યા બાદ વાઘ-વાઘણને પાંજરામાં ટ્રાન્સફર કર્યા હતા. ગુરુવારે સાંજે આ ટીમ પરત વડોદરા આવવા નીકળી હતી, અને શુક્રવારે મધ્ય રાત્રે વડોદરા પહોંચ્યા હતા. રસ્તામાં વાઘ-વાઘણને પીવા માટે પાણી અપાયું હતું, અહીં પ્રાણી સંગ્રહાલયમાં બે દિવસ રૂમમાં રાખ્યા બાદ પિંજરાની પાછળ આવેલા ટ્રાયલ કેજમાં ખુલ્લામાં આજે બહાર કાઢ્યા હતા. ખાવા પીવાનું પણ બંને એ વ્યવસ્થિત લીધું છે અને ધીમે-ધીમે વડોદરાના પ્રાણીસંગ્રહાલયના વાતાવરણને અનુરૂપ થઈ રહ્યા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના પ્રાણીઓના ક્વોરેન્ટાઇનના નિયમ અનુસાર હાલ બંને પ્રાણી હમણાં પ્રદર્શિત નહીં કરાય, પરંતુ દિવાળી બાદ સહેલાણીઓ નવા મહેમાનને નિહાળી શકશે તેવું જણાઈ રહ્યું છે. બંનેના નામ કરણ હવે પછી કરવામાં આવશે. હાલ પ્રાણીસંગ્રહાલયમાં એક વાઘણ અને વાઘની જોડી છે જોકે બંને ઉંમરલાયક છે.


Google NewsGoogle News