ઇન્ડોનેશીયાનો રૂ.9 લાખનો કોલસો વગે કરનાર ટ્રાન્સપોર્ટના પેટા કોન્ટ્રાકટરની ધરપકડ
ઈમ્પોર્ટર કંપની સ્ટીમ ઇન્ડિયાએ કોલસો વગે થતો હોવાની શંકાના આધારે તપાસ બાદ ભોપાળું પકડાયું હતું : કંપનીનો સુપરવાઈઝર ફરાર
ક્રાઇમ બ્રાન્ચે જીઆવ બુડીયા રોડ પર પેટા કોન્ટ્રાકટરે કોલસો ખાલી કરવા બનાવેલા ગોડાઉનની બહારથી સગેવગે કરેલા કોલસો સાથે પાંચ ટ્રક પણ કબજે કરી
- ઈમ્પોર્ટર કંપની સ્ટીમ ઇન્ડિયાએ કોલસો વગે થતો હોવાની શંકાના આધારે તપાસ બાદ ભોપાળું પકડાયું હતું : કંપનીનો સુપરવાઈઝર ફરાર
- ક્રાઇમ બ્રાન્ચે જીઆવ બુડીયા રોડ પર પેટા કોન્ટ્રાકટરે કોલસો ખાલી કરવા બનાવેલા ગોડાઉનની બહારથી સગેવગે કરેલા કોલસો સાથે પાંચ ટ્રક પણ કબજે કરી
સુરત, : સુરતની સચીન જીઆઈડીસી સ્થિત સ્ટીમ હાઉસ ઇન્ડિયા લી. એ ઇન્ડોનેશીયાથી આયાત કરેલો રૂ.9 લાખની મત્તાનો 119 ટન કોલસો કંપનીના ખરવાસા સ્થિત ગોડાઉનમાં ખાલી કરવાને બદલે કંપનીના સુપરવાઈઝર સાથે મળી સગેવગે કરનાર ટ્રાન્સપોર્ટના પેટા કોન્ટ્રાકટરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તેણે કોલસો ખાલી કરવા જીઆવ બુડીયા રોડ પર બનાવેલા ગોડાઉનની બહારથી સગેવગે કરેલા કોલસો સાથે પાંચ ટ્રક પણ કબજે કરી હતી.જયારે કંપનીનો સુપરવાઈઝર ફરાર થઈ જતા તેની શોધખોળ આદરી છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતની સચીન જીઆઈડીસી સ્થિત સ્ટીમ હાઉસ ઇન્ડિયા લી.કોલસા થકી બોઈલરમાં સ્ટીમ જનરેટ કરી કોમન બોઈલર પાઈપલાઈન દ્વારા ઈન્ડસ્ટ્રીઝને પૂરી પાડે છે.કંપની ઈન્ડોનેશીયાથી કોલસો આયાત કરી દરીયાઈ માર્ગે મગદલ્લા પોર્ટ પર મંગાવે છે.જહાજમાં આવેલા કોલસાને પોર્ટ પરથી કંપનીના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સમર્થ સાંઈ ટ્રાન્સપોર્ટ મારફતે કંપનીના ખરવાસા સ્થિત ગોડાઉનમાં ખાલી કરવામાં આવે છે.પોર્ટ પર કોલસાના જથ્થાની તમામ દેખરેખ સુપરવાઈઝર રૂદ્રપ્રતાપસિંહ ત્રીલોકીનાથ સિંગ ( રહે. ઇ/502, સ્વસ્તીક લેક, વિનાયક એન્કલેવ પાસે, ડીંડોલી, સુરત તથા ફલેટ નં.101, સાંઇ કોમ્પ્લેક્ષ, પ્લોટ નં.110,૧12, સોમેશ્વર સોસાયટી, જીયાવ બુડીયા રોડ, સુરત ) કરતો હતો.જયારે ખરવાસના ગોડાઉનનું સંચાલન સુપરવાઈઝર બાલકૃષ્ણ ઉર્ફે વીરુ ધર્મેન્દ્ર ઝા કરે છે.
દરમિયાન, છેલ્લા કેટલાક સમયથી કોલસાનો જથ્થો સગેવગે થતો હોવાની શંકાને પગલે કોલસો ખાલી કરતો વિડીયો કંપનીના વ્હોટ્સએપ ગ્રુપમાં અપલોડ કરવાનું શરૂ કરાયું હતું.ગત મંગળવારે રાત્રે સુપરવાઈઝર બાલકૃષ્ણ ઉર્ફે વીરુ સચીન મુલ્લા ડાઇંગ ચોકડી પાસે જલારામ વે બ્રિજ ખાતે કોસલા ભરેલી ટ્ર્કના વજન માટે હાજર હતો ત્યારે ટ્રક ( નં.જીજે--05-બીયુ-4297 ) ના ચાલકે આવી ખરવાસાના ગોડાઉનમાં કોલસો ખાલી કર્યાનું કહી ઈ-વે બિલ રિસીવ કરી આપવા કહ્યું હતું.આથી બાલકૃષ્ણ ઉર્ફે વીરુએ વ્હોટ્સએપ ગ્રુપમાં કોલસો ખાલી કર્યાનો વિડીયો અપલોડ થયો છે કે કેમ ચકાસતા કોઈ વિડીયો ન હોય ઈ-વે બિલ રિસીવ કરવાની ના પાડી કોલસો ક્યાં ખાલી કર્યો છે તેમ પૂછતાં ચાલક ટ્રક લઈને જતો રહ્યો હતો અને તેની પાછળ બીજી ચાર ટ્રક પણ ગઈ હતી.
આથી તેને શંકા જતા તેણે કંપનીના ડિરેક્ટર લલનકુમાર યાદવને જાણ કરતા તેમણે બાલકૃષ્ણ ઉર્ફે વીરુને ટ્રકોની ખરાઈ કરવા કહ્યું હતું.જે પાંચ ટ્રક રવાના થઈ હતી તે સમર્થ સાંઈ ટ્રાન્સપોર્ટના પેટા કોન્ટ્રાકટર ભરત પાટીલની હતી.આથી તેનો અને સુપરવાઈઝર રૂદ્રપ્રતાપસિંહનો સંપર્ક કરવા પ્રયત્ન કરતા બંનેના મોબાઈલ ફોન બંધ હોય તેમણે ભેગા મળી પાંચ ટ્રકોમાં ભરેલો રૂ.9 લાખની મત્તાનો 119 ટન કોલસો સગેવગે કર્યો હોવાની ફરિયાદ લલનકુમાર દયાનંદ યાદવ ( ઉ.વ.49, રહે.એફ/203, સાંઇરાજ રેસીડેનસી, મીતાલી ગેસ પાસે, ભેસ્તાન, સુરત. મુળ રહે.મધુવની, બિહાર) એ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી હતી.
ક્રાઈમ બ્રાન્ચે પેટા કોન્ટ્રાકટર ભરતભાઈ યશવંતભાઈ પાટીલ ( ઉ.વ.54, રહે. ઘરનં.22, શક્તિવિજય સોસાયટી, વેસુ, સુરત.મુળ રહે. ઘરનં.6, મિત્રકુંજ હાઉસીંગ સોસાયટી, ધુલીયા, મહારાષ્ટ્ર ) ની ધરપકડ કરી તેણે કોલસો ખાલી કરવા જીઆવ બુડીયા રોડ પર બનાવેલા ગોડાઉનની બહારથી સગેવગે કરેલા કોલસો સાથે પાંચ ટ્રક પણ કબજે કરી હતી.જયારે કંપનીનો સુપરવાઈઝર ફરાર થઈ જતા તેની શોધખોળ આદરી છે.વધુ તપાસ પીએસઆઈ કે.એચ.પુવાર કરી રહ્યા છે.