Get The App

કચ્છમાં પતંગના દોરાથી ઘવાયેલા 92 જેટલા પક્ષીઓની સારવાર કરાઈ

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
કચ્છમાં પતંગના દોરાથી ઘવાયેલા 92 જેટલા પક્ષીઓની સારવાર કરાઈ 1 - image


પોલીસ- વન ખાતાની ચેકિંગના કારણે પાકા દોરાનું નહિંવત ઉપયોગ ફળ્યો

18ના મેજર, ૨૩ના માઈનોર ઓપરેશન અને 51ની પ્રાથમિક સારવાર થઈ, સૌથી વધુ ભુજમાં પક્ષીઓ ઘાયલ થયા

ભુજ: પતંગ મહોત્સવ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે કચ્છ વન વિભાગ, પશુપાલન વિભાગ તેમજ જુદી જુદી એનજીઓ સંસ્થા દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગત રોજ પતંગની દોરીથી કબુતર સહિતના કુલ ૯૨  જેટલા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.૧૮ના મેજર ઓપરેશન, ૨૩ના માઈનોર અને ૫૧ની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.

મકરસંક્રાતિ નિમિતે ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે તાલુકા મથકોએ કુલ ૧૬ કલેકશન સેન્ટર શરૂ કરાયા હતા જયારે ૧૩ સારવાર કેન્દ્ર અને ૧૩ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા હતા.૨૧ સામાજીક સંસ્થાઓ અને ૪૨૬ સ્વયંસેવકોની ટીમ જોડાઈ હતી. 

જિલ્લા પશુપાલન અધિકારી ડો. રાજેશ પટેલના જણાવ્યાનુસાર સૌથી વધુ ભુજ, ગાંધીધામ અને અંજારમાં પક્ષીઓ ઘાયલ થયા હતા. 

૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સને ભુજ સ્વામિનારાયણ મંદિર પાસે ત્રણ કબુતર ઘાયલ હોવાનો કોલ મળતા જ ડોક્ટરોએ સ્થળ પર શસ્ત્રક્રિયા કરીને સારવાર આપી હતી. એક લાંબી ચાંચવાળા પક્ષીને ફરતે દોરો વીંંટળાઈ જતા તે હમીરસર તળાવમાં ડુબી રહ્યો હતો ત્યારે તેને જીવદયાપ્રેમીઓએ બહાર કાઢી બચાવી લીધો હતો.

રાપર ભચાઉ વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપીને જીવ બચાવાયા હતા. રાપરના દેના બેંક ચોક અને ભચાઉ ખાતે કેમ્પ યોજાયા હતા.સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા ડોશાભાઈ ધર્મશાળા પાસે ૨૧ વરસથી કેમ્પનું આયોજન કરાય છે. જેમાં પણ ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈ હતી.

કચ્છમાં જુદી જુદી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી કરૂણા અભિયાન યોજાયું હતું. વહેલી સવારથી મોડી સાંજ સુધી શહેર જિલ્લામાં તમામ અલગ અલગ સ્થળો પર પશુ ચિકિત્સકો તથા સેવાભાવી કાર્યકરની ટીમ હાજર રહી હતી. અને ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી. જેમાં, ૯૨ કબુતર સહિતના પક્ષી  ઘાયલ થયા હતા. જેઓને તાત્કાલીક સ્થળ પર સારવાર કરવામાં આવી હતી.

વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ચાઈનીઝ દોરા, પ્લાસ્ટીકના દોરા અને કાચા પાયેલા દોરાના ઉપયોગ માટે થયેલા સઘન ચેકિંગના લીધે ધાર્યુ પરિણામ આવ્યું હતું. છેલ્લા એકાદ સપ્તાહથી થયેલી ચેકિંગની મહેનત રંગ લાવી હતી. પતંગ પ્રેમીઓએ પણ પાકા દોરાનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું અને વેપારીઓએ પણ આવા દોરાનું વેચાણ ન કરતા કચ્છમાં પક્ષીઓના મૃત્યુઆંકમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો.

તાલુકા મુજબ ઘાયલ પક્ષીઓ

માંડવી તાલુકો

અંજાર

૧૫

રાપર

ભુજ

૪૩

મુંદરા

નખત્રાણા

ભચાઉ

ગાંધીધામ

૧૩


Google NewsGoogle News