Get The App

નારી જીઆઈડીસીમાં મોટા પ્લોટ માટેની 100 જેટલી અરજી 3 વર્ષથી અનિર્ણિત

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
નારી જીઆઈડીસીમાં મોટા પ્લોટ માટેની 100 જેટલી અરજી 3 વર્ષથી અનિર્ણિત 1 - image


- 3000 ચોરસ મીટરથી મોટા 150 જેટલા પ્લોટ માટે અરજી મંગાવાઈ હતી 

- ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાતો વચ્ચે ઔદ્યોગિક વસાહતે 3-3 વર્ષથી સ્ક્રૂટિનીની પ્રક્રિયા જ નથી કરી : આમાં ઉદ્યોગ સ્થપાય કેવી રીતે ? : ઉઠતો પ્રશ્ન

ભાવનગર : ભાવનગરના નારી ગામ ખાતેની સૂચિત ઔદ્યોગિક વસાહતમાં ૩૦૦૦ ચોરસ મીટરથી મોટા પ્લોટ માટે ૧૦૦ જેટલા ઉદ્યોગ સાહસિકોએ અરજી કરી હતી પરંતુ અરજી મંગાવાયાને ત્રણ-ત્રણ વર્ષનો સમય વીતી જવા છતાં હજુ કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે લોકોમાં પ્રશ્ન એ ઉઠયો છે કે, આ સ્થિતિમાં ઉદ્યોગ સ્થપાય કેવી રીતે ? 

આ અંગેની સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર ભાવનગરના નારી ખાતે ઘણા વર્ષો અગાઉ ઔદ્યોગિક વસાહત સ્થાપવાની જાહેરાત થઈ હતી. પરંતુ ત્રણ વર્ષ અગાઉ તે પ્રોજેક્ટ જમીન પર આવ્યો હતો. જે અંતર્ગત નારી ખાતે ૧૧૫ હેક્ટર જમીન ફાળવાતા તેના પર ૬૫૦ જેટલા પ્લોટ પાડવામાં આવ્યા હતા. જેમાં ૫૦૦ ચોરસ મીટરથી ૩૦૦૦ ચોરસ મીટર સુધીના અંદાજે ૪૮૫ પ્લોટ અને ૩૦૦૦ ચોરસ મીટરથી મોટી સાઈઝના અંદાજે ૧૬૫ જેટલા પ્લોટનો સમાવેશ થાય છે. 

દરમિયાનમાં, ત્રણ વર્ષ અગાઉ ગુજરાત ઈન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જી.આઈ.ડી.સી.) દ્વારા ઉદ્યોગ સાહસિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં ૩૦૦૦ ચોરસ મીટરથી મોટા ૧૬૫ પ્લોટ માટે ૧૦૦ જેટલી અરજી આવી હતી. પરંતુ આટલો લાંબો સમય વીતવા છતાં હજુ આ ૧૦૦ અરજી અંગે ત્રણ-ત્રણ વર્ષથી ઔદ્યોગિક નિગમ દ્વારા સ્ક્રૂટિની કરવામાં આવી નથી કે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

હવે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાતોના વડા વચ્ચે આ વાસ્તવિકતા છે. સવાલ એ છે કે, ત્રણ-ત્રણ વર્ષથી કોઈ નિર્ણય જ ન લેવાય તો ઉદ્યોગ સ્થપાય કેવી રીતે ? શું ઉદ્યોગકારો તેમના પ્રોજેક્ટ માટે ત્રણ-ત્રણ વર્ષ સુધી રાહ જુએ ? એવા પ્રશ્નો ઉઠયા છે. 

જીઆઈડીસી દ્વારા હવે 3 મહિને અરજીઓ મંગાવાશે

૫૦૦ ચોરસ મીટરથી ૩૦૦૦ ચોરસ મીટર સુધીની સાઈઝના ૪૮૫ પ્લોટ માટે અગાઉ અરજીઓ મંગાવવામાં આવી હતી ત્યારે સ્ક્રૂટિની પ્રક્રિયા થયા બાદ જે ઓફર આપી હતી તેમાં અરજદારો ૧૦૦ જેટલા અરજદારોએ નિયમાનુસાર રકમ ભરતા તેમને પ્લોટની ફાળવણી થઈ હતી. હવે એક-દોઢ માસ અગાઉ ફરી અરજીઓ મંગાવવામાં આવી તેમાં ૪૫ અરજી આવી હતી. જેની સ્ક્રૂટિની કરવામાં આવી હતી. જેમાં ૨૫ અરજદારને એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીની અરજી સંદર્ભે પ્રક્રિયા ચાલી રહી છે. આમ, અત્યાર સુધીમાં ૧૨૫ પ્લોટની ફાળવણી થઈ છે. આથી હવે ત્રણ મહિને જીઆઈડીસી દ્વારા અરજીઓ મંગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 


Google NewsGoogle News