સુરાગપુર ગામે બોરવેલમાં પડેલી બાળકી જિંદગીનો જંગ હારી, 18 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Girl falls into borewell in Amreli: અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાં દોઢ વર્ષની આરોહી બોરવેલમાં પડી ગઈ હતી, જેને બહાર કાઢવા માટે 18 કલાક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આ ઓપરેશન સફળ થાય તે પહેલા જ આરોહી જીવન સાથેની લડાઈ હારી ગઈ હતી.
આરોહી જિંદગીનો જંગ હારી ગઈ
શુક્રવારે અમરેલીના સુરાગપુર ગામમાં ખેતમજૂરી કરતા એક પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોરવેલમાં ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાળકી બોરવેલમાં 45થી 50 ફૂટના અંતરે ફસાઈ હતી. જેને બહાર કાઢવામાં માટે 18 કલાક લાંબુ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આ ઓપરેશન સફળ થાય તે પહેલા જ આરોહી જિંદગીનો જંગ હારી ગઈ છે.
ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ
ઉલ્લેખનીય છે કે NDRF, 108 તેમજ ફાયર વિભાગની સાથે સ્થાનિક તંત્રએ આરોહીને બચાવવા માટે ભારે મહેનત કરી હતી પરંતુ સફળતા મળી ન હતી. 18 કલાક સુધી માસૂમ મોત સામે ઝઝૂમી હતી. આખરે આરોહી જિંદગી સામેની જંગ હારી ગઈ હતી. આજે સવારે જ્યારે બોરવેલમાંથી આરોહીનો પાર્થિવ દેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારે પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.