જેતપુરના નવાગઢમાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે સશસ્ત્ર ધીંગાણું
બોલાચાલી બાદ 24 શખ્સોનું ટોળું તલવાર સહિતનાં હથિયારો સાથે ઘસી આવ્યું : સામસામી મારામારીના બનાવમાં મહિલા સહિત 6 વ્યક્તિને ઈજાઃ 30 સામે રાયોટિંગનો ગુનો : 6 આરોપી પકડાયા
જેતપુર, : જેતપુર નવાગઢ ખાટકીવાસ વિસ્તારમાં મોડી રાત્રિના સશ ધીંગાણું ખેલાયું થયું હતું જેમાં તલવાર-પાઇપ વડે સામસામે હુમલો કરાતા મહિલા સહિત છ વ્યકિતઓને ઈજા પહોંચી હતી વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી થયા બાદ ૨૪ શખસોનું ટોળું તલવાર સહિતના હથિયારો ધારણ કરી ધસી આવ્યું હતું અને નવાગઢમાં રહેતા યુવાન તથા તેના માતા પિતા પર હુમલો કર્યો હતો તેમજ સાત વાહનોમાં તોડફોડ કરી હતી. તો સામાપક્ષે થયેલા હુમલામાં ત્રણ યુવાનો ઘવાયા હતા. આ અંગે સામસામી ફરિયાદના આધારે પોલીસે ૩૦ શખસો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં નવાગઢ ખાટકીવાસ વિસ્તારમાં રહેતા તોસિફ ઉર્ફે ભોપો ઈકબાલભાઈ લાખાણી (ઉ.વ ૩૦) નામના યુવાને ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓ તરીકે નજુ લાલુ, ધમા માકડ, વિપુલ લાલુ, સાગર પરમાર, અનિદ્ધ વાળા, સુજીત હરેશ મકવાણા, તણ પરમાર,રવિ વીકમાં અને મોન્ટુ બારોટ તેમજ ૧૪ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના ભાઈ વસીમને આરોપી સાથે વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. દરમિયાન તે બાબતનો ખાર રાખી આરોપીઓએ રાતે તલવાર સહિતના હથિયારો સાથે ઘરે ધસી આવી યુવાન તથા તેના માતા-પિતા પર હુમલો કરી તેમને ઈજા પહોંચાડી હતી. યુવાનના ત્રણ વાહનોમાં તોડફોડ કરી ૩૭,૦૦૦ નુકસાન કર્યું હતું. શેરીમાં પડેલા અન્ય ચાર વાહનોમાં પણ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાન અને તેના માતા પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે યુવાનની ફરિયાદ પરથી જેતપુર ઉધોગનગર પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
સામાપક્ષે જેતપુરમાં જાગૃતિનગર ગરબી ચોક પાસે રહેતા રવિભાઈ હાથીભાઈ વિક્રમાં (ઉ.વ ૨૬) નામના યુવાને જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવાગઢ ખાટકીવાસમાં રહેતા વસીમ ઉર્ફે ડીકૂ ઇકબાલભાઈ, તોફીક ઉર્ફે ભોપો ઇકબાલભાઇ, ઇકબાલભાઈ, શાહરૂખ કારવા, નિઝામ લાખાણી અને સાહિલ લાખાણીના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના અઢી વાગ્યા આસપાસ તે જેતપુર બસ સ્ટેન્ડ પાસે આવેલ રજવાડી ચાની દુકાને તેના મિત્ર મોટુ ભાવેશભાઇ રેણુકા તથા રઘુભાઈ શેખવા સાથે ચા પીવા માટે ગયો હતો. તે વખતે નજુ લાલુ તથા ધમાભાઇ માકડ, વિપુલ લાલુ અને અનિદ્ધભાઈ તથા બીજા દસ લોકો બાઇક લઈને નીકળ્યા હતા ત્યારે નજુએ અહીં વાહન ઉભી રાખી કહ્યું હતું કે ''નવાગઢ ખાટકીવાસમાં રહેતા વસીમ લાખાણી સાથે મારે માથાકૂટ થયેલ છે. આપણે ત્યાં જવાનું છે તમે સાથે આવો આમ વાત કરતા તેઓ પણ બાઈક લઇ તેની પાછળ ગયા હતા. રાત્રે ત્રણેક વાગ્યે જેતપુર નવાગઢ ખાટકીવાસમાં વસીમના ઘરે પહોંચ્યા હતા.દરમિયાન અહીં વસીમ તથા અન્ય આરોપીઓ ઘરની બહાર આવી બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં વાત ઉગ્ર બનતા તેઓએ લોખંડના પાઇપ લાવી પ્રથમ હુમલો કરી દીધો હતો. જેમાં ફરિયાદી યુવાન રવિને હાથની કોણી તથા ડાબા પગના સાથળ પર ફ્રેકચર થઇ ગયું હતું. તેની સાથેના તેના મિત્ર મોન્ટુ રેણુકાને જમણા હાથની ટચલી આંગળીમાં ફ્રેકચર થઈ ગયું હતું. ઉપરાંત તેમની સાથેના તરુણ પરમારને ડાબા પગના ઘૂંટણમાં ફેકચર થઈ ગયું હતું જે અંગે તેમણે જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમને પણ ગુનો નોંધ્યો છે. હાલ છ જેટલા આરોપી ને પકડી પાડેલ છે. બાકીના આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.