VIDEO: 'પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવો અયોગ્ય હતું...', રાજીનામા બાદ મોઢવાડિયાની પ્રતિક્રિયા

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
VIDEO: 'પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવો અયોગ્ય હતું...', રાજીનામા બાદ મોઢવાડિયાની પ્રતિક્રિયા 1 - image


Gujarat Politics : ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથપાથલ જોવા મળી રહી છે. ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટ્સ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરી રહ્યું છે. ગત મહિને કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય એવા વિજાપુરનાં ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરિયા કર્યા હતા. ત્યારે આજે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમનો કોંગ્રેસ પાર્ટી સાથેનો 40 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો છે. ગુજરાત વિધાનસભા પહોંચીને સ્પીકર શંકર ચૌધરીને ધારાસભ્ય પદેથી રાજીનામું સુપરત કર્યું હતું. આ રાજીનામા પછી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું છે. હવે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

મેં દબાણમાં નહીં પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે : અર્જુન મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાએ એક્સ પરથી કોંગ્રેસનું પ્રતીક હટાવી દીધું છે. રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. મોઢવાડિયાએ કહ્યું છે કે, 'મેં કોઈના દબાણમાં નહીં પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. ઘણાં સમયથી હું કોંગ્રેસમાં ગુંગળાઈ રહ્યો હતો. રામ મંદિર વિવાદનો ઉકેલ બંધારણીય રીતે આવ્યો હોવા છતાં કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો, જે અયોગ્ય હતું. હવે મારે નહીં કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે.'

મેં મારો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પણ સફળતા ન મળીઃ અર્જુન મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, 'પ્રજા સાથેનો તાંતણો જ્યારે રાજકીય પક્ષ ગુમાવી દે તો તે પક્ષ લાંબો સમય ટકી શકતો નથી. દેશના લોકોને એક આશા હતી કે રામ મંદિર બંધાય. અને કોંગ્રેસે પણ નક્કી કર્યું હતું કે સુપ્રીમ કોર્ટનો બંધારણીય ચુકાદો આવે પછી સ્વીકારવું. તે પ્રમાણે થયું છતા પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું તે આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું. મેં ત્યારે પણ મારો અવાજ ઉઠાવ્યો હતો કે, આનાથી જનભાવનાને ઠેસ પહોંચશે અને આપણે આવા રાજકીય નિર્ણયો લેવા જોઈએ નહીં. મેં ઘણી બાબતોમાં મારો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને તેમાં સફળતા મળી ન હતી. આખરે, મેં આજે રાજીનામું આપ્યું છે."

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર રાજીનામાનું કારણ!

મોઢવાડિયાએ રાજીનામામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને હાઈકમાન્ડના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. મહત્ત્વનું છે કે, ઉત્તરપ્રદેશમાં ગત 22મી જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો હતો. જેમાં દેશના અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ કોંગ્રેસ દ્વારા રામ જન્મભુમિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા આમંત્રણનો અસ્વીકાર કરીને ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય બાદથી જ કોંગ્રેસ અનેક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા પણ સામેલ હતા.

VIDEO: 'પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવો અયોગ્ય હતું...', રાજીનામા બાદ મોઢવાડિયાની પ્રતિક્રિયા 2 - image

કોંગ્રેસે રામ મંદિર મામલે નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ  

અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય સામે વાંધો ઉઠાવતા સોશિયલ મીડિયા એક્સ પર ટીકા પણ કરી હતી. તેમણે કોંગ્રેસના નેતા જયરામ રમેશની પોસ્ટને ટેગ કરીને લખ્યું હતું કે 'ભગવાન રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસની વાત છે. કોંગ્રેસે રામ મંદિરના મામલે રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.' આ સિવાય અંબરીશ ડેરે પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે 'મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ, તેથી સ્વાભાવિક છે કે દેશભરના અસંખ્ય ભક્તોની આસ્થા વર્ષોથી આ નવનિર્મિત મંદિર સાથે જોડાયેલી છે ત્યારે કોંગ્રેસના કેટલાક લોકોએ આ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ. આવા નિવેદનો મારા જેવા ગુજરાત કોંગ્રેસના ઘણાં કાર્યકરો માટે નિરાશાજનક છે.'


Google NewsGoogle News