ગુજરાતના રાજકારણમાં હલચલના એંધાણ, કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતાને મંત્રી બનાવાય તેવી અટકળો

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
Arjun Modhwadia And Amit Shah


Gujarat Politics : ગુજરાતના રાજકારણમાં હલચલના એંધાણ વચ્ચે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા એક દિગ્ગજ નેતા દિલ્હી પ્રવાસ પર જતાં રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે થોડા સમય પહેલાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાએ દિલ્હીમાં અમિત શાહ અને સી. આર. પાટીલ સાથે મુલાકાત કરતાં બીજી પણ અટકળો તેજ થઈ છે. 

લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા આ નેતા

ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ઘણાં વર્ષોથી કૉંગ્રેસ પાર્ટીમાં અનેક હોદ્દા પર રહ્યા છે. જ્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ તેઓ કૉંગ્રેસ પક્ષ સાથે પોતાના સંબંધો તોડીને ભાજપ સાથે જોડાયા હતા. તેમણે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોરબંદરની બેઠક પરથી ભાજપની ટિકિટ પર વિજય હાંસલ કર્યો હતો.   

અર્જુન મોઢવાડિયા દિલ્હીમાં અમિત શાહ અને સી. આર. પાટીલને મળ્યા

રાજ્યના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મંત્રીઓના પદને લઈને ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હી ખાતે પહોંચ્યા છે. તેમણે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સી. આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. મોઢવાડિયાની આ મુલાકાત બાદ રાજ્યના રાજકારણને લઈને અટકળો છે કે, તેમને કોઈ મંત્રીપદ અપાઈ શકે છે. 

દિલ્હીમાં રાઘવજી પટેલ પણ અમિત શાહને મળ્યા હતા

ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણને લઈને ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી ખાતે કેન્દ્ર સ્તરના મંત્રી સાથે મુલાકાત કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણના માહોલને લઈને અનેક અટકળો લગાવાઈ રહી છે. બીજી તરફ, અગાઉ કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રાઘવજી પટેલે પણ દિલ્હી ખાતે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેવામાં ગુજરાતના ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં કોને સ્થાન આપવામાં આવશે તેને લઈને રાજ્યના રાજકારણમાં અટકળો શરુ થઈ છે. 

ગુજરાતના રાજકારણમાં હલચલના એંધાણ, કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતાને મંત્રી બનાવાય તેવી અટકળો 2 - image


Google NewsGoogle News