અરવલ્લી બાળ પ્રેમ પ્રકરણમાં નવો ખુલાસો, સગીરના પરિવારજનોએ જ અપહરણમાં કરી હતી મદદ
Aravalli 10 Year Old Girl Eloped Case Update: અરવલ્લીમાંથી માતા-પિતા સમાન માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરી 16 વર્ષના સગીરે 10 વર્ષની બાળકીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હતું. આ મામલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. હાલ, પોલીસ તપાસમાં સગીરના પરિવારજનોની સંડોવણી પણ સામે આવી છે.
પરિવારજનોની સંડોવણી આવી સામે
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સગીરના વાલીએ જ તેને બાળકીનું અપહરણ કરવામાં મદદ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અપહરણમાં સગીર આરોપીની માતા, કાકા-કાકી અને બેન-બનેવીએ મદદ કરી હતી. હાલ, પોલીસે આ આ મામલે તમામની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ મોકલ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
અરવલ્લી જિલ્લામાં ધનસુરા પોલીસ સ્ટેશનમાં 10 વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, બાળકી ઈન્સ્ટાગ્રામ પર જે સગીર સાથે વાત કરતી હતી, તેની સાથે પ્રેમજાળમાં ફસાઈ અને બંને ભાગી ગયા હતાં. પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી નજીકના ગામડામાંથી બંનેને પકડી પાડ્યા હતાં. બંનેને પરત લાવ્યા બાદ તેઓના મેડિકલ ચેકઅપ કરાવતા જાણ થઈ કે, સગીરે બાળકી પર દુષ્કર્મ પણ આચર્યું હતુ. બંનેના મેડિકલ ટેસ્ટ આવ્યા બાદ બાળકીને માતા-પિતા પાસે પરત મોકલવામાં આવી હતી. આ સિવાય સગીર સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયો હતો.