આંદોલન બાદ ખેલ સહાયક ભરતીની યાદી જાહેર કરવાનું સરકારનું નાટક, ફક્ત 1,465 લોકોનો કરાર રિન્યુ કરાશે
Sports Teacher Recruitment : ગુજરાત રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વ્યાયામ શિક્ષકો બે દિવસથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ખેલ સહાયક (પ્રાથમિક) માટે આજે (19 માર્ચ) બુધવારના રોજ ખેલ સહાયક ભરતીના પોર્ટલ પર મેરીટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 4565 ખાલી જગ્યા સામે 1465 લોકોની મેરીટ કરવામાં આવી હોવાથી હજુ પણ 3100 જગ્યા ખાલી પડી છે. આ જગ્યાઓએ ક્યારે ભરતી કરાશે તે અંગે સરકાર દ્વારા કોઈ ચોક્ક્સ ખુલાસો કરવામાં આવ્યો નથી.
1465 ઉમેદવારોએ નોકરી સ્વીકારી
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્વારા સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ SATનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5,000 જેટલી જગ્યા ખાલી હતી જ્યારે 1,700 પાસ થયા હતા. એમાંથી આજે 1465 ખેલ સહાયકોને રિન્યુ કર્યા છે.
રાજ્ય સરકાર દ્વારા અગાઉ 11 મહિના માટે જે જગ્યાઓ જાહેર કરી હતી. તેમાંથી 1465 ઉમેદવારોએ નોકરી સ્વીકારી હતી. ત્યારબાદ તેમની મુદત પૂરી થતાં આ લોકોએ દ્વારા નોકરી રિન્યુ કરવા માંગણી કરી હતી. ગાંધીનગરમાં આંદોલન કરનારા ઉમેદવારો હવે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે SATના આધારે કાયમી ભરતી કરો અને નિમણૂક આપો.
11 માસનો કરાર હોવાથી કાયમી નિમણૂક આપી શકાય નહીં
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આંદોલન કરનાર ઉમેદવારોએ જે નોકરી સ્વીકારી હતી, તેમાં ઉલ્લેખ હતો કે આ 11 માસનો કરાર છે. જેથી કાયમી નિમણૂક આપી શકાય નહીં. જેથી જે રીતે TET TATની પરીક્ષા લેવામાં આવે છે. એ રીતે ખેલ સહાયકની ભરતી કરવામાં આવે અને ખાલી જગ્યા ભરવામાં આવે એ જરૂરી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન શરુ, 'કરાર આધારિત ભરતી બંધ કરો, કાયમી ભરતી કરો'
શું છે વ્યાયામ શિક્ષકોની માંગણી
• ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. જેથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.
• રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવે છે. એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે, તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં જ આવતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.
• રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી (SAT) લેવામાં આવી છે, તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે.
• રાજ્યમાં ખેલ અભિરુચિ કસોટી જ્યારે લેવાની હતી, ત્યારે રાજ્યમાં સરકારે લગભગ 5,075 જેટલી વ્યાયામ શિક્ષકોની ખાલી જગ્યાઓ બતાવી હતી. તે તમામ જગ્યાઓ ઉપર કાયમી ભરતી કરવામાં આવે.
• રાજ્યમાં વ્યાયામ શિક્ષકની 15 વર્ષથી ભરતી કરી નથી તો તેને ધ્યાનમાં રાખીને નવો જી.આર. નવું માળખું રચવામાં આવે અને સત્વરે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવે.
ગુજરાત રાજ્યના તમામ વ્યાયામ શિક્ષકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો, ખેલ સહાયકો, વ્યાયામ શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલા એવા તમામ ઉમેદવાર સરકાર પાસે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી ઉપર જણાવ્યા અનુસાર થાય અને કરાર આધારિત ભરતી બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીની જગ્યાએ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ NEP 20 અને RTE 2009ની જોગવાઈ મુજબ વ્યાયામ શિક્ષક અને શારીરિક શિક્ષણને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે.
એ ધ્યાને લઈ ગુજરાત સરકાર પાસે શિક્ષણ વિભાગનો નીતિવિષયક સ્વતંત્ર હવાલો હોય, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું નામ ભારત તેમજ વિશ્વમાં ઊંચું કરે તેવા ભવિષ્યના રમતવીરો, ખેલાડીઓ તૈયાર થાય. બાળકના સર્વાગી તન-મનના વિકાસ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિને આધારે આ વિષયને પૂર્ણકાલીન ગણી અને SAT પરીક્ષાને વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટેની લાયકાત ગણી ભરતી કરવામાં આવે.