વડોદરા કોર્પોરેશનમાં 59 એન્જિનિયરોને એપોઇન્ટમેન્ટ લેટર અપાયા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં ભરતી કરવામાં આવેલ 59 આસી.એન્જિનિયર તથા એડી.આસી. એન્જિનિયરોને આજરોજ કોર્પોરેશન ખાતે એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટાફની અછત હોવાના કારણે તેની અસર રોજબરોજ ની કામગીરી પર થતી હોવાની અવારનવાર ફરિયાદો થઈ રહી હતી, ત્યારે કોર્પોરેશન દ્વારા હવે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એન્જિનિયરો માટે ગત વર્ષે 6 ઓક્ટોબરના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) 15, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) 35, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) 5 તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર( મિકેનિકલ) 4 નો સમાવેશ થાય છે. આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલના જે એન્જિનિયરો લીધા છે તેમાં કોર્પોરેશનના 23 એન્જિનિયરો કરાર આધારિત નોકરી કરતા હતા, જ્યારે બાકીના બહારથી લેવામાં આવ્યા છે. ભરતીના રોસ્ટર ક્રમ પ્રમાણે અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારોને આ નિમણૂકો આપવામાં આવી છે . ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા આશરે 2,300 ની ભરતી કરવાનું ચાલુ કરાયું છે .જેમાંથી ઘણી ભરતીઓ થઈ ચૂકી છે .આ ભરતીઓ થવાના કારણે કોર્પોરેશન પર આશરે 100 કરોડનું આર્થિક ભારણ પડે તેવી સંભાવના છે .ખાસ તો શહેરનો વિકાસ અને વિસ્તારો વધતા સફાઈ સેવકોની ભરતી કરવી જરૂરી હતી .કોર્પોરેશનમાં વર્ષ 2016 પછી કોઈ ભરતી કરવામાં આવી ન હતી. 1200 સફાઈ સેવકો માટે મહેકમ ઊભું કર્યા બાદ , નક્કી કરેલા માપદંડના આધારે 1,000 થી વધુની ભરતી થઈ ચૂકી છે .વર્ગ એક થી ત્રણમાં 831 ની ભરતી કરવાની છે .જેમાં 525 રેવન્યુ ક્લાર્ક નો સમાવેશ થાય છે. હવે આગામી બે ત્રણ મહિનામાં વર્ગ 1 થી 3 માં 300 ક્લાર્ક ની ભરતી કરાશે. ચીફ ફાયર ઓફિસર, ટીડીઓ, સીટી એન્જિનિયર, પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટર ની પણ ભરતી થશે .ફાયર બ્રિગેડ માં સ્ટાફની જે અછત છે, તે પૂર્ણ કરવામાં આવશે.