Get The App

સૌરાષ્ટ્રમાં એક દિવસમાં 14 શહેરોમાં વિવિધ કર્મચારીઓ-લોકોનાં આવેદન!

Updated: Sep 14th, 2022


Google NewsGoogle News
સૌરાષ્ટ્રમાં એક દિવસમાં 14 શહેરોમાં વિવિધ કર્મચારીઓ-લોકોનાં આવેદન! 1 - image


મધ્યાન્હ ભોજન, વીસીઈ, પૂર્વ સૈનિકો, હોમગાર્ડ, આંગણવાડી, ખેડૂતો, એસ.ટી....વ્યાપક નારાજગી : પગારમાં અન્યાયથી માંડી ભંગાર રસ્તા,દૂષિત પાણી પ્રશ્ને ગામે ગામ લોકો દ્વારા રોષપૂર્ણ રજૂઆતો થઈ : ઉપલેટા, ટંકારા,પોરબંદર, રાજકોટ, સાવરકુંડલા, જામકંડોરણા, ભાટીયા, ગોંડલ, વડિયા, કોટડાસાંગાણી, બગસરા, લાલપુર, માંગરોળમાં રજૂઆતો

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં સરકારના મોટાભાગના ખાતાઓના કર્મચારીઓમાં તથા ખેડૂતો,વેપારીઓ સહિત તમામ વર્ગમાં વિસ્તરતી જતી નારાજગી અને રોષ ધારાસભા ચૂંટણી પૂર્વે ઠેરઠેર આંદોલનોથી સપાટી પર આવવા લાગ્યા છે. આજે એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં ઉપલેટા, ટંકારા, પોરબંદર, રાજકોટ, મોરબી, સાવરકુંડલા, ભાટીયા, ગોંડલ, વડિયા, કોટડાસાંગાણી, બગસરા, લાલપુર, જુનાગઢ સહિત 15 શહેરોમાં  વિવિધ અણઉકેલ પ્રશ્નોને લઈને આવેદનપત્રો અપાયા હતા. 

આજે એક દિવસમાં મધ્યાન્હ ભોજન કર્મચારીઓ, આંગણવાડીઓ, કિસાન સભા, કિસાન સંઘ, હોમગાર્ડ, ઔદ્યોગિક સુરક્ષા દળો, ખેડૂત ખાતેદારો, માજી સૈનિકોના મંડળો, આઉસ સોર્સ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ સહિત વિવિધ વર્ગ,ખાતાના કર્મચારીઓએ પગારમાં અન્યાય સહિતના મુદ્દે તથા ભાટીયા, લાલપુર,બગસરા , સાવરકુંડલામાં દુષિત પાણી, ભંગાર રસ્તા સહિતના પ્રશ્ને રજૂઆતો કરી હતી અને હજુ નવા આંદોલનોની પણ ચિમકીઓ અપાઈ છે. 

ગામેગામથી અહેવાલો મૂજબ (1) પોરબંદરમાં જી.આઈ.એસ.એફ,એસ. અર્થાત્ ગુજરાત ઔદ્યોગિક સોસસુરક્ષાદળ સોસાયટી દ્વારા અપુરતા વેતન અને પચીસ વર્ષથી કાયમી નહીં કરાતા ,જવાનોને માત્ર 11,500 નો નજીવો પગાર અપાતો હોય તે સામે આવેદનપત્ર આપી રોષ વ્યક્ત થયો છે. (2) માંગરોળમાં પગાર વધારાની માંગ સાથે આંગણવાડી વર્કરોએ રેલી યોજી મામલતદારને આવેદન આપ્યું હતું. (3) ઉપલેટામાં ગુજરાત કિસાન સભાની જિલ્લા સમિતિઓ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને ખેત પેદાશોના ભાવ, કુવા, બોર, ૭-૧૨ પત્રક, દેવા માફી સહિતના મુદ્દે આવેદન અપાયું છે. (4) ટંકારામાં મધ્યાન્હ ભોજન કર્મચારીઓ દ્વારા એકબાજુ ભીષણ મોંઘવારીમાં અપાતા નજીવા વેતનના વિરોધમાં મામલતદારને આવેદન  (5) સાવરકુંડલામાં વોર્ડ નં.8માં જેસર રોડ, નંદીગ્રામ સોસાયચીમાં આઠ-દસ માસથી મહી પરિએજના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોવાનો પ્રશ્ન તંત્રે નહીં ઉકેલતા આંદોલનની ચિમકી સાથે આવેદનપત્ર. 

આ ઉપરાંત આજે (6) સાવરકુંડલામાં પ્રાંત કચેરીમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓના શોષણ સામે મામલતદારને આવેદન અને તા. 17-9થી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત (7) જામકંડોરણામાં હોમગાર્ડ યુનિટે વેતન વધારા તથા નિવૃતિવય મર્યાદા વધારવા મામલતદારને આવેદન.બીજા રાજ્યોમાં દૈનિક 600 - 700નું અને ગુજરાતમાં માત્ર રૂ।. 304નું દૈનિક વેતન સામે વિરોધ વ્યક્ત થયો. (8) ભાટીયાના સતાપર ગામના ખાતેદાર ખેડૂતાના રસ્તાની માંગણી  અન્વયે ખંભાળિયાને નાયબ કલેક્ટરને આવેદન અપાયું. (9) ગોંડલમા ગ્રામ પંચાયતોમાં કાર્યરત વીસીઈ કોમ્પ્યુટર ઓપરેટરને સોળ વર્ષથી પગાર નહીં તે મુદ્દે ડે.કલેક્ટરને આવેદન અપાયું. 

(10) રાજકોટ જિલ્લા પંચાયતમાં આંગણવાડી કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉમટી પડીને તા. 19 સુધીમાં માાંગણી સરકાર ન સ્વીકારે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. કાલથી બાળકોનું હિત ધ્યાને લઈ આંગણવાડી ત્રણ કલાક ખોલાશે. (11) વડિયામાં દેશના સીમાડાની રક્ષા કરનાર પૂર્વ સૈનિકોની માંગણી સ્વીકારવા કિસાન કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. નિવૃત સૈનિકો પર ભાજપ સરકારના દમનનો વિરોધ કરાયો. (12) કોટડાસાંગાણીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ અને આઉસ સોર્સ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે તા.૧૭થી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની જાહેરાત સાથે આજે ટી.ડી.ઓ.ને આવેદન અપાયું હતું. (13) હોમગાર્ડની વિવિધ માંગણીઓ અન્વયે કોટડાસાંગાણીમાં મામલતદારને આવેદન. (14) બગસરા તાલુકા સરપંચ એસોસીએશન દ્વારા ખેતીની જમીનની ઘરમેળે ભાયુભાગની વહેંચણીમાં 8અ પાના અલગ કરવા કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું. (15) પોરબંદરમાં મધ્યાન્હ ભોજન કર્મચારીઓએ ચૂંટણી પર ગંભીર અસરની ચીમકી સાથે આવેદન આપ્યું. 

એકંદરે સૌરાષ્ટ્રમાં રોજ એક ડઝનથી વધુ શહેરોમાં જુદા જુદા કર્મચારીઓ, લોકસમુહો દ્વારા આંદોલનો થઈ રહ્યા છે. ચૂંટણી ટાણે જ આવા આંદોલનો કેમ વધ્યા તે અંગે આંદોલનકર્તાઓ કહે છે સરકાર ચૂંટણી સિવાય તો જરાય સાંભળતી નથી, જો પ્રશ્નો અગાઉ ઉકેલાયા હોત તો આંદોલનની નોબત જ આવત નહીં. સરકારના સૂત્રો અનુસાર મંત્રીઓની કમિટિ આંદોલનોમાં સમાધાન કરાવવા, સમેટાવવા ગહન ચર્ચા,પરામર્શ,વિચારણા સહાનુભૂતિથી કરી રહેલ  છે પરંતુ, બીજી તરફ આ કમિટિ પછી આંદોલનો વિસ્તર્યા છે. 


Google NewsGoogle News