બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવા રીક્ષા ચાલકોને મદદ કરવા અપીલ
વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તા.૨૭ ફેબુ્રઆરીથી શરુ થનારી પરીક્ષાઓેને અનુલક્ષીને વડોરા જિલ્લા પરીક્ષા સંચાલન સમિતિની બેઠક વડોદરા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળી હતી.
વડોદરાના ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ આપેલી જાણકારી પ્રમાણે વડોદરામાં ધો.૧૦ અને ધો.૧૨ના કુલ ૬૮૫૦૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તેમાં ધો.૧૦ માટે ૧૫૩ કેન્દ્રો પર ૧૫૨૨ બ્લોકમાં ૪૩૮૭૩ વાલીઓની પરીક્ષા લેવાશે.ધો.૧૨ના સામાન્ય પ્રવાહમાં ૧૮૧૨૮ વિદ્યાર્થીઓ ૬૨ પરીક્ષા કેન્દ્રો પર અને વિજ્ઞાાન પ્રવાહના ૩૭ પરીક્ષા કેન્દ્રો પર ૬૫૦૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.બોર્ડ પરીક્ષા આપનારાઓમાં સેન્ટ્રલ જેલના ૧૦ કેદીઓનો પણ સમાવેશ થાય છે.
બોર્ડ પરીક્ષાને ધ્યાનોમાં રાખીને તંત્ર દ્વાર રીક્ષા ચાલકોના એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવાની સમસ્યા હોય તો મદદ કરવા માટે અનુરોધ કરાયો હતો.રીક્ષા એસોસિએશને આ માટે સંમતિ આપી છે.
વડોદરામાં આ વખતે ૧૦૦ ટકા પ્રજ્ઞાાચક્ષુ એવા ત્રણ વિદ્યાર્થીઓને લેપટોપ સાથે પરીક્ષા આપવાની અને રાઈટરની મંજૂરી અપાઈ છે.શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો પણ બંધ કરાવાશે.સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા રહે તેમજ પરીક્ષા કેન્દ્રો પર બંદોબસ્ત ગોઠવાય, પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠો ના ખોરવાય તે જોવા માટે જિલ્લા કલેકટર દ્વારા સબંધિત વિભાગોના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.