ગુજરાતના આ જિલ્લાના 6 ગામડામાં હજુ કેડસમા પાણી, 100 લોકોનું સ્થળાંતર, રોડ ખોદી નાખ્યા
100 લોકોનું હાઈસ્કૂલમાં સ્થળાંતર કરાયું
નડિયાદના ત્રણ ગામોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને રસ્તો તોડવાની ફરજ પડી
નડિયાદ: ખેડાના માતર અને વસો તાલુકાના ૬ ગામોમાં વરસાદી પાણી હજુ ભરાયેલા છે. ત્યારે અહીંથી ૧૦૦ લોકોનું હાઈસ્કૂલમાં સ્થળાંતર કરવાની નોબત આવી છે. બીજી તરફ નડિયાદ તાલુકામાં ૩ સીમ વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને રોડ ખોદી પાણી નિકાલની ફરજ પડી છે.
માતર તાલુકાના દેથલી તેમજ સંધાણા ગામમાં વરસાદી પાણીનો નિકાલ ના થતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ઉપરાંત વસો તાલુકાના ખાંધલી, અલીન્દ્રા, લવાલ, બામરોલી શ્રીજીપુરા વગેરે ગામોમાં હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયો છે. ત્યારે ખાંધલી ગામમાં દેવીપુજક પરિવારોના મકાનોમાં પાણી ભરાઈ જતાં ૧૦૦ લોકોને હાઈસ્કૂલમાં આશરો આપવાની ફરજ પડી છે.જ્યારે નડિયાદ તાલુકાના પીપલગ ચોકડીથી વલેટવા તરફના રોડને ચાર માર્ગીય બનાવવાની કામગીરીના લીધે પીપળાતા, કેરિયાવી, પીપલગ સીમમાં પાણીના નિકાલના માર્ગ પુરાઈ જવા પામ્યા હતા. જેથી સ્થાનિક ખેડૂતોને રોડ ખોદી પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ડાંગર સહિતના પાક ડૂબી જતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.