દ્વારકામાં 'અનુપમા' સિરિયલના શૂટિંગને લઈને વિવાદ, પોલીસે ડ્રોન જપ્ત કર્યુ, જાણો શું છે સમગ્ર મામલો
Anupama's Serial Shooting Controversy In Dwarka : દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ ખાતે જાણીતી હિંદી ટીવી સિરિયલના શૂટિંગ દરમિયાન ડ્રોન ઉડાવાને લઈને વિવાદ ઉભો થયો છે. આ મામલે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ડ્રોન જપ્ત કરીને નિર્માતાએ સિરિયલના શૂટિંગ માટે મંજૂરી લીધી છે કે નહીં તેને લઈને વધુ તપાસ શરુ કરી.
દ્વારકામાં ડ્રોન ઉડાવવાને લઈને વિવાદ
કોઈપણ સ્થળે ડ્રોન ઉડાવવા માટે સ્થાનિક પોલીસની પરવાનગી મેળવવી આવશ્યક હોય છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં સિરિયલના શૂટિંગ દરમિયાન ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. જેના કારણે લોકોના કુતુહલ સાથે ચર્ચા પણ જાગી હતી. પોલીસને પણ ગોમતી ઘાટ પર ડ્રોન ઉડી રહ્યું હોવાની માહિતી મળતા તાત્કાલિક પહોંચી હતી અને સિરિયલના નિર્માતા પાસે ડ્રોન ઉડાડવાની પરવાનગી છે કે નહીં તે મુદ્દે તપાસ હાથ ધરી. મળતી માહિતી પ્રમાણે ડ્રોનની મંજૂરીને લઈને સ્થાનિક પોલીસને કોઈ પ્રકારની જાણકારી ન હતી.
શૂટિંગની મંજૂરી લીધી હોવાનો દાવો
બીજી તરફ, અનુપમા સિરિયલના શૂટિંગમાં તમામ ક્રુ મેમ્બરોએ દાવો કર્યો છે કે, તેમણે શૂટિંગ માટે ડ્રોન ઉડાવવાની મંજૂરી લીધી છે. જો કે, શૂટિંગ અંગે મંજૂરી આપવામાં આવી છે તેવું કોઈ ડોક્યુમેન્ટની સ્પષ્ટતા કરી ન હતી.