ભાવનગરમાં પોલીસ ચોકીની સામે જ હથિયારધારી ટોળાએ મચાવ્યો આતંક, મફતમાં નાસ્તો ના આપતા લારીધારક પર હુમલો
Bhavnagar News : ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાણે કે પડી પડી હોય તેમ કાયદાના ચીરહરણના બનાવો દિન પ્રતિદિન પ્રકાશમાં આવી રહ્યા છે. અલંગના મધદરિયે પડેલી શિપમાંથી દેશી ચાંચિયાઓએ મસમોટી ચોરીને અંજામ આપી પોલીસને રિતસર પડકાર ફેંક્યો હતો. જોકે, પોલીસ ઘટનાના સપ્તાહ બાદ પણ તસ્કરીને અંજામ આપનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકી નથી. તેવામાં આજે સવારના સુમારે શહેર મધ્યેના મુખ્ય કેન્દ્ર સમાં ઘોઘાગેટ ચોકમાં બે ફોર વીલર કારમાં ઘસી આવેલા 20 થી વધુ શખ્શોના ટોળાએ હથિયારો સાથે સરાજાહેર આતંક મચાવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે, ઘોઘાગેટ પોલીસ ચોકીની બરાબર સામે જ હથિયારધારી ટોળાએ કાયદાનો ડર જ ન હોય તેમ બેખૌફ બનીને સતત 20 મિનિટ સુધી તિક્ષ્ણ હથિયારો સાથે સરાજાહેર આતંક મચાવ્યો હતો. આ પણ અધૂરું હોય તેમ ટોળાએ લારી ધારક સહિત બે શખ્સો પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા બન્નેને લોહિયાળ હાલતે સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી. બનાવને લઈ મોડે મોડે ઘટના સ્થળે પહોંચેલી ગંગાજળિયા પોલીસે નાસી છૂટેલા હુમલાખોર ટોળા વિરોધ ગુનો નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભાવનગર શહેરના કેન્દ્ર સમા ઘોઘા ગેટ વિસ્તારમાં બનેલી ચકચારી અને ચર્ચાસ્પદ બનાવની વિગત એવી છે કે, શહેરના ગોગા ગેટ વિસ્તારમાં ઘોઘા ગેટ પોલીસ ચોકી ની સામે ઊભી રહેલી ચા અને નાસ્તાની લારીએ આજે વહેલી સવારના સુમારે ચાર જેટલા અજાણ્યા શકશો ચા નાસ્તો કરવા આવ્યા હતા જોકે તેમણે પૈસા આપ્યા વગર જ નાસ્તાની માંગણી કરતા લારીધારકો અને અજાણ્યા શખ્સો વચ્ચે તકરાર સર્જાઈ હતી. લારીધારકે પૈસા વગર ચા, નાસ્તો આપવાની ના પાડી દેતાં તમામ ત્યાંથી ચાલ્યા ગયા હતા. બાદમાં સવારના 7 કલાકના સુમારે બે અલગ અલગ ફોર વ્હીલ કારમાં 20 શખ્સોનું ટોળું હથિયારો સાથે ધસી આવ્યું હતું અને પૈસા વગર ચા, નાસ્તો આપવાની ના પાડનાર લારી ધારકોની ચા અને નાસ્તાની લારીઓમાં તિક્ષ્ણ હથિયારો વડે રીતસર તોડફોડ કરી સરાજાહેર આતંક મચાવ્યો હતો. અને લારીધારક મોઈન હરૂનભાઈ ડેરૈયા (ઉં.વ.૨૮,રહે. નવાપરા, ભાવનગર) પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તદ્ઉપરાંત, અહીં નાસ્તો કરવા આવેલા ભરતભાઈ બટુકભાઈ સરવૈયા (ઉં.વ.૨૪, રહે. એસટી વર્કશોપ મફતનગર ભાવનગર)ઉપર પણ હુમલો કરી હુમલાખોરોએ આસપાસ રહેલી બાઈકમાં તોડફોડ પણ કરી હતી. ટોળાએ અંદાજે 20 મિનિટ સુધી તિક્ષ્ણ હથિયારો અને બે ફોર વ્હીલ કાર મારફતે રીતસર સરાજાહેર આતંક મચાવ્યો હતો. બાદમાં તમામ નાસી છૂટ્યા હતા.
બીજી તરફ, હથિયારધારી ટોળા દ્વારા થયેલા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બટુકભાઈ ની સ્થિતિ નાજુક હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. જોકે સવારના બનેલી આ ચરકચારી બનાવના અહેવાલો શહેરભરમાં વાયુવેગે પ્રસરતા પોલીસ ઘટના સ્થળે દોડતી આવી હતી અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.બનાવની ગંભીરતાને લઈ ગંગાજળિયા પોલીસે સીસીટીવી તથા ટેકનિકલ સર્વેન્સના આધારે ફરાર થયેલા હુમલાખોરોના ટોળાને ઝડપી લેવા અને તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.