રૂ.1.33 કરોડના છેતરપિંડી કેસમાં બે આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર
Vadodara Fraud Case : ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલી દર્શનમ ક્લબ લાઇફમાં રહેતા અતોનું દત્તા અને હિના ઠક્કર જે અગાઉ ભાગીદારી પેઢીમાં કામ કરતા હતા. તેના માલિકે 406 અને 120 બીની ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવી 1.33 કરોડથી વધુ રકમની ઊંચાપતનો ગુનો નોંધાવ્યો હતો. જેનો કેસ સેશન્સ કોર્ટ એન પી રાડીયાની કોર્ટમાં ચાલી જતા અદાલતે અરજદાર આરોપી તરફે એડવોકેટ ભાવિન વ્યાસની દલીલો કોર્ટે માન્ય રાખી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
આરોપી અતોનુ દતાએ હીના ઠકકર સાથે મળી ષડયંત્ર રચી નાણાની ઉચાપત કરી છેતરપીંડી કરવાના બદઈરાદે ફરિયાદી કંપનીમાં તેઓના કાર્યકાળ દરમ્યાન ફરિયાદી કંપનીના નામનો ઉપયોગ કરી બે નવી કંપનીઓ ઉભી કરી ફરિયાદીની કંપનીના ગ્રાહકોને અંધારામાં રાખી તે ગ્રાહકો પાસેથી ફરિયાદીને લેવાનું પેમેન્ટ અતોનું દતાએ પોતાની કંપનીના બેંક એકાઉન્ટ તથા તેઓના બેંક એકાઉન્ટમાં કુલ મળી રૂ.1,33,69,750.82/- ડીપોઝીટ કરાવડાવી હીના ઠકકર સાથે મળી છેતરપીંડી કરી ગુનો કર્યાનો આક્ષેપ છે. અરજદાર/આરોપી તરફે વકીલ ભાવિન વ્યાસએ દલીલો કરી હતી કે, એફ.આઈ.આર.માં 18 થી 19 માસનો ડીલે છે. સીવીલ ટ્રાન્સજેકસન છે. આરોપી તદન નિદોર્ષ છે. અરજદાર/આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની જરૂર નથી. તપાસ પૂર્ણ થઈ ગયેલ છે. કોઈ મૌખીક કે દસ્તાવેજી પુરાવો નથી. અરજદાર/આરોપી અરજીમાં જણાવેલ સરનામે રહે છે તથા સ્ત્રી છે, કયાય નાસીભાગી જાય તેમ નથી. નામદાર અદાલત જે શરતો ફરમાવે તેનું પાલન કરવા તૈયાર હોઈ હાલની આગોતરા જામીન અરજી મંજુર કરવા વિનંતી છે. જયારે સરકાર તરફે ડી.જી.પી. અનીલ દેસાઇએ દલીલો કરી હતી કે, ગુનાહીત કાવતરૂ રચી ફરિયાદી સાથે છેતરપીંડી કરેલ છે.આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૂરી છે.તપાસ હજી ચાલુ છે. સહ આરોપીને પકવાની બાકી છે. આરોપી નાસતા ફરતા હોય, તપાસમાં સહકાર આપતા ન હોય, તેમજ આરોપી વિરૂધ્ધ હજુ તપાસ બાકી છે. આરોપીને જામીન આપવામાં આવશે તો તપાસમાં યોગ્ય સહકાર આપશે નહી તેમજ નાશી ભાગી જશે. જેથી, અરજદાર/આરોપીનો રોલ જોતા આગોતરા જામીન આપી શકાય નહિ. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ ૯માં એડીશનલ સેશન્સ જજ નિમિલેશ પ્રભુદાસ રાડીયાએ નોંધ્યું હતું કે, ગુનો બન્યાનો સમયગાળો 29/02/2020 થી 28/02/2023 સુધીનો છે, જયારે એફ.આઈ.આર. તા.04/11/2024ના રોજ નોંધવામાં આવેલ છે. તપાસ કરનાર અધિકારીનું સોગંદનામુ ઘ્યાને લેતા આરોપીનો આ પ્રથમ ગુનો છે કોઈ ગુનાહીત ઈતીહાસ ધરાવતા નથી. હાલના આરોપી સ્ત્રી છે તેમજ વડોદરાના વતની છે, તેથી હાજરી પણ સુરક્ષીત જણાય છે. વધુમા વધુ ત્રણ વર્ષની સજાને પાત્ર જે.એમ.એફ.સી. ટ્રાયેબલ ગુનો છે. મોતની કે આજીવન કેદની સજાને પાત્ર ગુનો નથી. આમ, ગુનાનો પ્રકાર, ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ, ટ્રાયલ વખતે આરોપીની હાજરી, આરોપીનો રોલ તેમજ આરોપી સ્ત્રી હોય, અન્ય કોઈ ગુનામાં સંડોવણી ન હોય વીગેરે ધ્યાને લેતા, અરજદારની તરફેણમાં વાપરવી અત્રેની અદાલતને ન્યાયીક જણાતી હોય, જેથી અરજદાર/આરોપી હીનાબેન ડોટર ઓફ ધનશ્યામભાઈ ઠકકરની આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવે છે.