દારૃ કેસમાં વોન્ટેડ આરોપી CISF કોન્સ્ટેબલના આગોતરા જામીન રદ
સુરત
સહઆરોપી સાથે દિલ્હીથી
રાજધાની એક્સપ્રેસમાં દારૃ લાવનાર આરોપીએ જામીન માટે માંગ કરી હતી
દિલ્હી-મુંબઈ રાજધાની એક્સપ્રેસમાં દિલ્હીથી ચાર ટ્રોલી બેગમાં 204 નંગ વિદેશી દારૃની બોટલ લાવતા સુરત રેલવે સ્ટેશને ઝડપાયેલા આરોપી પૈકી વોન્ટેડ આરોપી સીઆઈએસએફ કોન્ટેબલે પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે નકારી કાઢી આરોપીના કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાનો નિર્દેશ આપ્યો છે.
વિશાખાપટ્ટનમ ખાતે સીઆઈએસએફમાં નોકરી કરતાં આરોપી કોન્સ્ટેેબલ વલકુભાઈ ભુતાભાઈ ચોવટીયા(રે.ભરવાડ સ્ટ્રીટ,ભદ્વાવલ,પો.ડીહોર તળાજા ભાવનગર) તથા સહઆરોપી ભાવેશ ચકુરભાઈ ચાવડા તા.2-11-2023ના રોજ ટ્રેન નં.12952 દિલ્હી-મુંબઈ રાજધાની એક્સપ્રેસમાં દિલ્હીથી ચાર ટ્રોલીબેગમાં કુલ રૃ1.02 લાખની કિંમતના વિદેશી દારૃના 204 નંગ બોટલના જથ્થા સાથે સુરત રેલવે પ્લેટફોર્મ પરથી ઝડપાઈ ગયા હતા. અલબત્ત આરોપી ભાવેશ ચાવડા પકડાઈ જતાં સહ આરોપી કોન્સ્ટેબલ વલકુભાઈ ચોવટીયા પોલીસને જોઈને સ્થળ પરથી નાસી છુટયા હતા.જેથી આ કેસમાં રેલવે પોલીસે આરોપીને વોન્ટેડ દર્શાવ્યા હોઈ પોલીસ ધરપકડથી બચવા આરોપી કોન્સ્ટેબલે આગોતરા જામીન માટે માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે, આરોપી બનાવ સ્થળ પરથી ભાગી ગયા બાદ મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો છે. સીસીટીવી ફુટેજ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે કોલ ડીટેઈલ્સ મેળવવાની બાકી છે, હાલના આરોપી મુદ્દામાલ લાવનાર હોઈ પ્રથમદર્શનીય કેસમાં પોલીસ કસ્ટડીમાં પુછપરછ જરૃરી છે. જેને કોર્ટે માન્ય રાખી આરોપી સીઆઈએસએફ કોન્ટેબલ વલકુભાઈ ચોવટીયાની પોલીસ કસ્ટડીમાં પુછપરછ જરૃરી હોઈ આગોતરા જામીનની માંગને નકારી કાઢી છે.