Get The App

સુરતમાં અસામાજિક તત્ત્વોનો આતંક: ઘરમાં તોડફોડ કરી કાર સળગાવી, કુખ્યાત રાકેશ પકોડાની ધરપકડ

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
સુરતમાં અસામાજિક તત્ત્વોનો આતંક: ઘરમાં તોડફોડ કરી કાર સળગાવી, કુખ્યાત રાકેશ પકોડાની ધરપકડ 1 - image


Surat Crime: ગુજરાતમાં અવાર-નવાર એવા દ્રશ્યો સામે આવતા રહે છે, જેને જોતાં એવું લાગે કે કાયદો અને વ્યવસ્થા જાણે માળિયે ચઢાવી દેવામાં આવ્યો છે. આવો જ એક અન્ય કિસ્સો સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્ત્વોએ આખી સોસાયટી બાનમાં લીધી હતી. પાર્થ રેસિડન્સીમાં શુક્રવારે (21 ફેબ્રુઆરી) સાંજે અકસ્માતની ઘટના બની હતી. જોકે, સમગ્ર મામલે ત્યાં સમાધાન થઈ ગયાં બાદ પણ ઘટનાની અદાવત રાખી અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. આ સિવાય પરિવાર પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો અને આખાય ઘરને પણ સળગાવી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ઘરની બહાર પડેલાં વાહનોમાં પણ આગ ચાંપી દેવામાં આવી હતી. જોકે, બાદમાં પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે આ જ વિસ્તારમાં રહેતાં બુટલેગરને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યાં અનુસાર, આ રીઢો ગુનેગાર છે. 

શું હતી સમગ્ર ઘટના?

સુરતના માંગરોળમાં પીપોદ્રા પાસે અસામાજિક તત્ત્વોએ આખી સોસાયટી માથે લીધી હતી. પાર્થ રેસિડેન્સીમાં શુક્રવારે સાંજે એક સામાન્ય અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગોવિંદસિંહ રાજપૂતના દીકરાની બાઇક અન્ય યુવકની બાઇક સાથે અથડાઈ હતી. તે સમયે આ અકસ્માતને લઈને સમાધાન કરી દેવાયું હતું. પરંતુ, ઘટનાની અદાવત રાખીને બાદમાં 15-20 જેટલાં શખસોએ જ્વલંતશીલ પદાર્થ તેમજ તલવાર-ધારિયા જેવા હથિયારો લઈને સોસાયટીમાં આતંક મચાવ્યો હતો. 

આ પણ વાંચોઃ માંગરોળમાં પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર યુવકનો વિડીયો સામે આવ્યો, કહ્યું ‘મારી નહીં તો કોઈની નહીં…’

ઘરને સળગાવવાનો કરાયો પ્રયાસ

અસામાજિક તત્ત્વો દ્વારા ગોવિંદસિંહ રાજપૂતના ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પરિવાર પર પણ ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગોવિંદસિંહ સહિત તેમનો દીકરો અને પત્ની ગંભીર. રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. જોકે, મામલો વકરતાં પરિવારે દરવાજાને તાળું મારી ઘરની અંદર પુરાઈ ગયા હતાં. જેથી આ અસામાજિક તત્ત્વોએ આખા ઘર પર જ્વલંતશીલ પ્રવાહી નાંખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય ઘરની બહાર પાર્ક કરવામાં આવેલી કાર પણ સળગાવી દીધી હતી. આજુબાજુના ઘરોમાં પણ ભારે તોડફોડ કરી હતી. હાલ, પરિવારના ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે. 

આ પણ વાંચોઃ રાજકોટ સામુહ લગ્ન વિવાદ: આયોજકોએ મોબાઈલ પર સ્ટેટસ મૂકી પોતાનું 'સ્ટેટસ' બચાવવાનો કર્યો પ્રયાસ

સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ પોલીસની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આરોપી આ જ વિસ્તારમાં રહેતો બુટલેગર પદ્મનાભ મલેક ઉર્ફે રાકેશ પકોડાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના ગુના હેઠળ ઝડપાયો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 



Google NewsGoogle News