વડોદરાના 15 મૂલ્યાંકન કેન્દ્રો પર બોર્ડ પરીક્ષાની દોઢ લાખથી વધુ ઉત્તરવહીઓની ચકાસણી
વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ લગભગ પૂરી થવાના આરે છે અને હવે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓના મુલ્યાંકનની શરુઆત થશે.વડોદરામાં ધો.૧૦ અને ૧૨ની કુલ મળીને દોઢ લાખ કરતા વધારે ઉત્તરવહીઓ શિક્ષકો તપાસવાના છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં ૧૫ જેટલા મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો પર બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી થશે.જેમાં ધો.૧૦ના ૭, ધો.૧૨ સાયન્સના ચાર અને ધો.૧૨ સામાન્ય પ્રવાહના ચાર કેન્દ્રોનો સમાવેશ થાય છે.સૂત્રોના કહેવા પ્રમાણે આ તમામ કેન્દ્રો પર દોઢ લાખ કરતા વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં આવશે.મુલ્યાંકનની કામગીરીનો તા.૧૧ માર્ચથી પ્રારંભ થશે.કેટલાક કેન્દ્રો પર તા.૧૫ માર્ચથી ઉત્તરવહીઓ તપાસવાનું શરુ કરાશે.
મળતી વિગતો પ્રમાણે ધો.૧૦ના કેન્દ્રો પર અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ગુજરાતી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાાન અને સમાજવિદ્યાની ઉત્તરવહીઓ તપાસવામાં આવશે.દરેક કેન્દ્ર પર સરેરાશ ૨૫૦૦૦ જેટલી ઉત્તરવહીઓ અને તેને તપાસવા માટે ૧૦૦ થી ૧૨૫ જેટલા શિક્ષકો ફાળવવામાં આવ્યા છે.
જ્યારે ધો.૧૨ સાયન્સમાં મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ મુખ્ય વિષયોની ઉત્તરવહીઓ વડોદરાના કેન્દ્રો પર તપાસવામાં આવશે.ધો.૧૨ના દરેક કેન્દ્ર પર સરેરાશ ૬૦૦૦ થી ૭૦૦૦ જેટલી ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં આવશે.ધો.૧૨ના દરેક કેન્દ્ર પર ૭૦ થી ૮૦ શિક્ષકોને ઉત્તરવહી તપાસવાના ઓર્ડર કરાયા છે.
બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવા
૭૦૦૦૦ શિક્ષકોને ઓર્ડર કરાયા, ધો. ૯ અને ધો.૧૧ના શિક્ષણ પર અસર પડશે
મળતી વિગતો પ્રમાણે ધો.૧૦ અને ૧૨ની ઉત્તરવહીઓ તપાસવા માટે સમગ્ર રાજ્યમાં ૭૦૦૦૦ જેટલા શિક્ષકોને ઓર્ડર કરવામાં આવ્યા છે.રાજ્યમાં કુલ ૪૫૦ જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહીઓ તપાસવામાં આવશે.બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ વહેલી તકે તપાસીને પરિણામ વહેલંથ જાહેર કરાય તે માટે બોર્ડે લગભગ તમામ શિક્ષકોને ઓર્ડર કર્યા છે પરંતુ તેના કારણે સ્કૂલોને હવે ધો.૯ અને ધો.૧૧ના શિક્ષણકાર્ય પર અસર પડવાનો ડર લાગી રહ્યો છે.
સ્કૂલોમાં તો ધો.૧૦ અને ૧૨ને બાદ કરતા અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષાઓ એપ્રિલ મહિનામાં લેવામાં આવશે.વડોદરાની એક સ્કૂલના આચાર્યે કહ્યું હતું કે, અત્યારે સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો કોર્સ પૂરો થવાના આરે છે અથવા તો રિવિઝન ચાલી રહ્યું છે.ધો.૧૦ અને ૧૨માં ભણાવતા શિક્ષકો ધો.૯ અને ૧૧માં પણ ભણાવતા હોય છે.મોટાભાગની સ્કૂલોમાં ધો.૧૦ અને ૧૨ના તમામ શિક્ષકોને ઉત્તરવહી તપાસવા માટે ઓર્ડર કરાયા હોવાથી હવે આગામી ૨૦ થી ૨૫ દિવસ શિક્ષકો ઉત્તરવહીઓ તપાસવામાં વ્યસ્ત રહેશે અને તેની અસર ધો.૯ અને ધો.૧૨ના શિક્ષણ પર પડશે.