Get The App

અંશુમન ગાયકવાડનો દેહ પંચમહાભૂતમાં વિલિન: નયન મોંગિયાએ ચિતા ગોઠવી, પુત્રએ મુખાગ્નિ આપી, કોઈ સ્ટાર ક્રિકેટરની હાજરી નહીં

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
અંશુમન ગાયકવાડનો દેહ પંચમહાભૂતમાં વિલિન: નયન મોંગિયાએ ચિતા ગોઠવી, પુત્રએ મુખાગ્નિ આપી, કોઈ સ્ટાર ક્રિકેટરની હાજરી નહીં 1 - image


Anshuman Gaekwad Funeral: ધ ગ્રેટ વોલ તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમના કોચ અંશુમન દત્તાજીરાવ ગાયકવાડનું વડોદરા ખાતે બુધવારે રાત્રે નિધન થયું હતું. આજે સવારે સેવાસી ખાતેના તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને રાજવી પરિવારના સ્મશાન કીર્તિ મંદિર ખાતે તેમની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમવિધિ કરાઈ હતી. અગ્નિદાહ આપતી વખતે મિત્રો, સગા-સંબંધીઓ અને  હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. 

અંશુમનના સાથી પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પ્રેસિડેન્ટ રોજર બિન્ની ઉપરાંત અંશુમનના અન્ય સાથી ખેલાડીઓ એવા પૂર્વ ક્રિકેટરો કિરણ મોરે, નયન મોંગિયા, અતુલ બેદાડેએ ચિતા ઉપર લાકડા મૂકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતિમયાત્રામાં ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતાએ પણ હાજરી આપી હતી. 

આશ્વર્યની વાત એ છે કે આ મહાન ક્રિકેટરની અંતિમયાત્રામાં એક પણ વર્તમાન ક્રિકેટર જોડાયો ન હતો. વડોદરાથી માત્ર બે કલાકની હવાઈ મુસાફરીના અંતરે રહેતા સ્ટાર ક્રિકેટરોમાંથી એક પણ ક્રિકેટર આજે અંશુમાન ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપવા તેમની અંતિમયાત્રામાં સામેલ થયો ન હતો. 

આ પણ વાંચો : અલવિદા અંશુમન ગાયકવાડઃ આ જાંબાજ ક્રિકેટરે 12 કલાકમાં પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા હતા

તમને જણાવી દઈએ કે 1983 વર્લ્ડ કપના વિજેતા કેપ્ટન કપિલ દેવે પણ અંશુમન ગાયકવાડ માટે આર્થિક મદદ માટે હાથ આગળ વધાર્યો હતો. મોહિંદર અમરનાથ, સુનિલ ગાવસ્કર, સંદીપ પાટીલ, દિલીપ વેંગસરકર, મદનલાલ, રવિ શાસ્ત્રી અને કીર્તિ આઝાદ જેવા પૂર્વ ક્રિકેટરો સાથે મળીને કપિલ દેવે પોતાના બીમાર સાથીની મદદ માટે પૈસા ભેગા કરવાની દિશામાં કામ કર્યું હતું. 

અંશુમન ગાયકવાડે 1997થી 2000 દરમિયાન બે વખત ભારતીય ટીમના મુખ્ય કોચના રૂપમાં પણ કામ કર્યું હતું. તેમના કોચિંગમાં વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ઉપવિજેતા બની હતી. જ્યારે તે કોચ હતા, ત્યારે અનિલ કુંબલેએ નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ ઇનિંગમાં 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગાયકવાડે 1990ના દાયકમાં નેશનલ સિલેક્ટર્સ અને ભારતીય ક્રિકેટર્સ ઍસોસિયેશનના અધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે જૂન 2018માં BCCIએ તેમને લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા. 

આ પણ વાંચો : 201 રન, 671 મિનિટ સુધી ઘાતક બોલિંગનો સામનો; પાકિસ્તાનને એવું હંફાવ્યું કે ક્યારેય ભૂલી નહીં શકે

12 વર્ષની કારકિર્દીમાં ગાયકવાડે 40 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 30ની એવરેજથી 1985 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 2 સદી અને 10 અર્ધી સદી ફટકારી હતી. તેમણે 15 વન ડેમાં 289 રન બનાવ્યા હતા. 1983માં જલંધરમાં પાકિસ્તાન વિરૂદ્ધ 201 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. 



Google NewsGoogle News