હરણીમાં ફરી અછોડાતોડ ત્રાટક્યા,યુ ટર્ન લઇને ભરબપોરે ચાલતી જતી મહિલાનો અછોડો લૂંટ્યો
બાઇક સવારની મદદ લઇ મહિલાએ ગોલ્ડન ચોકડી સુધી પીછો કર્યો પણ હાથમાં ના આવ્યા
વડોદરાઃ હરણી લેકઝોન નજીક ભર બપોરે એક મહિલાનો બે તોલાનો અછોડો તૂટવાનો વધુ એક બનાવ બન્યો છે.
બાપોદ અને કારેલીબાગ વિસ્તારમાં ભર બપોરે બે અછોડા લૂંટવાના બનાવ બન્યા હોવા છતાં બીજા દિવસે લૂંટારાઓએ બપોરના સમયે હરણી વિસ્તારમાં અછોડો લૂંટી પોલીસને પડકાર ફેંક્યો હતો.
પ્રતાપનગરના બંસી હાઇટ્સ ખાતે રહેતા કવિતાબેન શિન્દેએ પોલીસને કહ્યું છે કે,ગઇ કાલે તા.૧૧મીએ બપોરે પોણા એક વાગે હું ઘરકામ કરવા માટે રિક્ષામાંથી ઉતરીને હરણી લેકઝોન પાસેથી પ્રકૃતિ સોસાયટી તરફ જતી હતી ત્યારે બાઇક પર આવેલા ત્રણ જણા આગળ જઇ યુ ટર્ન લઇને ઉભા રહ્યા હતા.
હું સોસાયટી તરફ જતી હતી ત્યારે તેઓ પાછળ આવ્યા હતા અને મારા ગળામાંથી બે તોલાનું મંગળસૂત્ર લૂંટીને ફરાર થઇ ગયા હતા.મેં બૂમરાણ મચાવતાં એક બાઇક સવાર મદદે આવ્યા હતા.તેની સાથે લૂંટારાઓનો ગોલ્ડન ચોકડી સુધી પીછો કર્યો હતો.પરંતુ તેઓ હાથમાં આવ્યા નહતા.હરણી પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધ્યો છે.