Get The App

બનાસકાંઠાનો વધુ એક શિક્ષક NOC વિના વિદેશ રફૂચક્કર, ઊઠાં ભણાવતાં શિક્ષકો પર તવાઈ લવાશે

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
બનાસકાંઠાનો વધુ એક શિક્ષક NOC વિના વિદેશ રફૂચક્કર, ઊઠાં ભણાવતાં શિક્ષકો પર તવાઈ લવાશે 1 - image
Representative Image



Banaskantha Teacher Controversy : બનાસકાંઠાના દાંતાના પાન્છા પ્રાથમિક શાળા એક શિક્ષિકા છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી હોવા છતાં પગાર લેતી હોવાનો પર્દાફાશ થતાં હવે એક પછી એક આવા ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ઉઘાડી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગમાં પોલંપોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભાભર તાલુકાના સુથાર નેસડી પે. સેન્ટર શાળામાં ફરજ બજાવતાં આવા જ એક શિક્ષક એનઓસી વગર જ કપાત પગાર પર છેલ્લાં 10 મહિનાથી વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ છેલ્લા 4 વર્ષમાં 33 જેટલા દોષિત શિક્ષકોને જુદા-જુદા કારણોસર બરતરફ કર્યા હોવાનો દાવો કર્યો છે. 

આ પણ વાંચો : શિક્ષણ વિભાગને સડો લાગ્યો: કપડવંજ તાલુકાની સરકારી પ્રાથમિક સ્કૂલમાં ડમી શિક્ષકની ફરિયાદ

પ્રાપ્ત માહિતી અનુસાર ભાભરના સુથાર નેસડી પે. સેન્ટર શાળામાં ફરજ બજાવતાં શિક્ષક વિપુલભાઈ પટેલ છેલ્લાં 7 વર્ષથી સુથાર નેસડી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ 1-6-2023થી તેઓ એનઓસી વિના કપાત પગારની રજા પર ઉતરી ગયા છે અને અમેરિકા ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી શાળાના આચાર્ય વશરામભાઈ મકવાણાએ એક મહિનામાં જ ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત જાણ કરી હતી તથા અન્ય શિક્ષકની ભરતી કરવાની લેખિતમાં માંગ કરી હતી. વિપુલભાઈ પટેલ કપાત પગારે રજા પર ઉતરી જતાં તેમની જગ્યાએ જ્ઞાન સહાયક શિક્ષકની ભરતી કરી બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. 

આ પણ વાંચો : લો હવે! દાંતા બાદ વાવની શાળામાં પણ 2 વર્ષથી શિક્ષક ગાયબ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામભરોસે

બીજી તરફ શાળા શિક્ષક વિપુલભાઈએ ફોન કરીને શાળાના શિક્ષકને જાણ કરી હતી કે હું બે નંબરમાં વિદેશ ગયો હોવાથી પાછો આવી શકું એમ નથી. તો આ તરફ ભાભર તાલુકા શિક્ષણાધિકારીએ બે મહિના પહેલાં  વિપુલભાઈના ઘરે બે નોટિસ મોકલી હતી. જેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગેરહાજર રહેતાં તથા વિદેશમાં મ્હાલતા શિક્ષકોની તપાસ ગાંધીનગર જિલ્લામાં પણ શરુ કરવામાં આવી છે. તેના અંતર્ગત સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સાથે સરકારી અનુદાન મેળવતી શાળાઓમાં પણ તપાસના આદેશ અપાયા છે. ચારે તાલુકામાં આવા કિસ્સામાં જૂની ફાઇલો ખોલીને વિગતો મેળવવા માટે અધિકારીઓ દ્વારા તંત્રને દોડતું કરી દેવામાં આવ્યું છે અને ક્ષતિ જણાયે તેમાં કાયદેસરની કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો : વાહ, તમારી સિસ્ટમ : બનાસકાંઠામાં શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં છતાંય પગાર ચાલુ, વર્ષે એક વખત ગુજરાત આવે

ગેરહાજર અને ગુલ્લીબાજ શિક્ષકો સામે તવાઈ

દાંતા તાલુકાના પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષિકા અમેરિકા રહેતા હોવા છતાં શાળાના રજિસ્ટરમાં નામ ચાલતું હોવાનું બહાર આવતાં શિક્ષણ વિભાગ દોડતું થયું છે. જે બાદ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે છેલ્લા 4 વર્ષમાં કાર્યવાહી કરવામાં આવી છે અને દોષિત 33 શિક્ષકો સામે કાર્યવાહી કરી બરતરફ કરાયા છે.

આ પણ વાંચો : વધુ એક 'મેડમ'ની પોલ ખૂલી: ખેડામાં એક વર્ષથી શિક્ષિકા ગેરહાજર, નોટિસનો પણ નથી આપી રહ્યા જવાબ

કાંકરેજ તાલુકામાં સૌથી વધુ 5 શિક્ષકને બરતરફ કરાયા

આંકડા પ્રમાણે જોઈએ તો કાંકરેજ તાલુકામાં સૌથી વધુ 5 અને ભાભર તાલુકામાં સૌથી ઓછા એક શિક્ષક સામે 4 વર્ષમાં કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે. 33 પૈકી દિયોદર તાલુકાના 4, લાખણીના 3, સુઇગામના 2, દાંતીવાડાના 2, ડીસાના 4, ધાનેરાના 4, પાલનપુરના 3, થરાદના 3 અને વાવ તાલુકાના 2 શિક્ષકો છેલ્લા 4 વર્ષમાં બરતરફ કરાયા છે. છતાં કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો ફરજ ઉપર આવતા ના હોવાનું સામે આવી રહ્યું છે.


Google NewsGoogle News