વડોદરામાં અકોટા-અલકાપુરી તરફ ગોવર્ધનનાથજી હવેલી રોડ પર વધુ એક ભુવો પડ્યો
image : File photo
Vadodara Potholes : કલા નગરી તરીકે ઓળખાતા બહુનામધારી વડોદરા હવે સંસ્કાર નગરી, મગર નગરી અને ભુવા નગરી તરીકે હવે ઓળખાઈ રહી છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટા-અલકાપુરી તરફ ગોવર્ધનનાથજીની હવેલીના રસ્તે રોડ ડિવાઈડરને અડીને વધુ એક ભુવો પડ્યો છે. કારચાલક રસ્તો ઓળંગીને પરત આવે એ અગાઉ જ તેમની કાર ભુવામાં લટકતી જોવા મળી હતી ગણતરીની મિનિટોમાં જ પડેલ ભૂવામાં આખી કાર સમાઈ જાય તેવો મોટો છે. કાર ચાલકે સાવચેતી દાખવીને અન્ય રાહદારીઓની મદદથી કાર સહી સલામત રીતે ભુવામાંથી બહાર કાઢતા ભ્રષ્ટ પાલિકા તંત્રના ભ્રષ્ટાચારની વધુ એક પોલ ખુલ્લી પડી છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં રોજે રોજ એક-બે ભુવા પડવાના સમાચાર હવે નવા નથી. લોકો પણ હવે કયા રસ્તે ભુવો છે એવું જાણ્યા બાદ જ પોતાનું વાહન લઈને નીકળે છે. અકોટા-અલકાપુરી રોડ પરની ગોવર્ધનનાથજી હવેલીના રોડ ડિવાઈડર પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હતા ત્યારે એક કાર ચાલક પોતાની કાર ચાલુ રાખીને રોડ ક્રોસ કરીને સામે બાજુએ ગયા હતા. પરત આવીને જોતા જ પોતાની કારનું વ્હિલ ભૂવામાં લટકતું જોઈને આશ્ચર્ય પામ્યા હતા. જમીન બેસી જવાના કારણે ગણતરીની મિનિટોમાં કારની નીચે પડેલ ભૂવો આખી કાર સમાઈ જાય એટલો મોટો છે.