જામસાહેબના સૂર બદલાયા! એક પત્રમાં રૂપાલાની ટીકા તો બીજામાં માફ કરવાનો રસ્તો જણાવ્યો...
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે નવ દિવસ જેટલો સમય બાકી છે જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં રાજકીય પક્ષો તડામાર તૈયારી કરીને પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. જો કે ગુજરાતમાં રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો હાલ ચર્ચામાં છે અને હજુ સુધી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. રૂપાલાએ બે વખત માફી માગી અને ભાજપ પ્રદેશ પ્રમુખે પણ ક્ષત્રિય સમાજને માફી આપવા અપીલ કરી તેમ છતાં ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે અને રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માગ પર અડગ છે. આ વચ્ચે જામનગરના જામ સાહેબે મંગળવારે એક પત્ર લખીને પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે આજે તેમનો વધુ એક પત્ર સામે આવ્યો છે.
રાજ્યમાં રૂપાલાના નિવેદનનો મામલો ગરમાયો
રાજ્યમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનનો મામલો ગરમાયો છે અને ક્ષત્રિય સમાજમાં રોષ ચરમસીમાએ છે. અનેક જગ્યાએ રૂપાલાના વિરોધમાં બેનરો લાગી રહ્યા છે ત્યારે જામનગરના જામસાહેબ દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો છે. જામસાહેબે પત્રમાં લખ્યું હતું કે 'ગઇકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઇ. મારા ધ્યાન પર આવ્યુ કે રૂપાલાએ પહેલા બે વાર માફી માગી લીધી છે, પરંતુ આટલુ પૂરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરૂઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો 'ક્ષમા વિરસ્ય ભુષણમ્'ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.'
જામસાહેબે મંગળવારે પત્રમાં આ વાત લખી હતી
• કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ઘટના..
જામનગરના જામસાહેબ દ્વારા અગાઉ મંગળવારે રૂપાલાના નિવેદન પર એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે 'આ બારામાં હજુ સુધી કંઈ વધુ પડતું નથી બન્યું એ મારા હિસાબે સારી વાત છે, કારણ કે કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય, પરંતુ અયોગ્ય વાત બોલવાનો જે ગુનો કરે તેને સજા થવી જોઈએ. જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે, પરંતુ જે કાર્યનો સંકલ્પ કર્યો હતો એની હું ટીકા કરું છું, કારણ કે 'જૌહર'નો પ્રશ્ન આ કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો જ નથી. હાલમાં ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા, એનું કારણ માત્ર હિંમત નહોતી, પણ સાથે સાથે એકતાનું પણ હતું. એ જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે રાજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે.તો એ સમય આવી ગયો છે કે આજના લોકશાહીના સમયમાં ગેરવાજબી રીતે નહીં, પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં, પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે રાજપૂતો હજી ભારતમાં જ છે, તેથી સહુ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવું કૃત્ય કરે છે, જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણીમાં હરાવો. આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા.' ઉલ્લેખનીય છે કે જામસાહેબના બંને પત્રમાં સહી અને લેટર પેડ અલગ-અલગ છે. આ ઉપરાંત જામસાહેબે પહેલા પત્રમાં રૂપાલાની ટીકા કરી હતી જ્યારે બીજા પત્રમાં માફ કરવાનો રસ્તો જણાવ્યો છે.
હું ક્ષત્રિય સમાજની વિરુદ્ધ નથી: માંધાતાસિંહજી જાડેજા
અગાઉ રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'રૂપાલાનું નિવેદન સાંભળીને મને આઘાત લાગ્યો. ભારતના બંધારણે આપણને બોલવાની છૂટ આપી છે તેનો મતલબ એવો નથી કે મનફાવે તેવો શબ્દ પ્રયોગ કરીએ. રૂપાલાએ અનેક વખત આ અંગે માફી પણ માંગી છે. ક્ષત્રિય સમાજની બહેનોએ જાહેરમાં વિરોધ કરવો પડે તે બાબતનું રંજ છે. હું ક્ષત્રિય સમાજની વિરુદ્ધ નથી. ક્ષત્રિય સમાજની સાથે છું અને એટલે જ મારી વેદના વ્યક્ત કરું છું. તેથી ક્ષત્રિય સમાજ દ્વારા સરકાર સાથે વાદવિવાદમાં પડવાને બદલે સંવાદ થકી સમાધાન કરવું જોઈએ અને આ સમસ્યાનો સુખદ અંત આવવો જોઈએ.'
કચ્છના મહારાણીએ રૂપાલાના નિવેદનને નિંદનીય ગણાવ્યો હતો
આ ઉપરાંત કચ્છના મહારાણી પ્રીતીદેવીએ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે કરેલા નિવેદનને નિંદનીય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'કેન્દ્રીય મંત્રી રૂપાલા દ્વારા ક્ષત્રિય જ્ઞાતિની બહેન દીકરીઓ માટે જે નિવેદન કરવામાં આવ્યું છે તે નિંદનીય છે, કોઈપણ સંજોગોમાં સ્વીકૃત કરી શકાય નહીં. રાષ્ટ્રભુમિ સમગ્ર ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ સહિત સૌનો યોગદાન ઐતિહાસિક છે. ભારત રાષ્ટ્રના નિર્માણમાં રાજા રજવાડાઓનું યોગદાન અતુલનીય છે. તે વચ્ચે આ નિવેદન અયોગ્ય છે. મારુ સમર્થન ભાજપને છે પરંતુ જ્ઞાતિની બાબતમાં જ્ઞાતિ વિરૂધ્ધ ઉચ્ચારણ અક્ષમ્ય છે. તેમની નિષ્ઠા જ્ઞાતિ સાથે છે. આ મુદાનો સુખદ અંત લાવશે તેવી ભાજપ પાસે તેમણે અપેક્ષા મુકી હતી.'