ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ચાર અનાજની MSP પર સીધી ખરીદી કરાશે
રાજ્ય સરકાર ઘઉં, બાજરી,જુવાર અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે
Gujarat Government's Decision Regarding Farmers: ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાની ઉદ્દેશ્ય સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે રવી માર્કેટિંગ સીઝન 2024-25 માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં, બાજરી, જુવાર અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે (MSP) પર ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે. અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ માહિતી આપી હતી.
કયા ભાવે કઈ વસ્તુ ખરીદાશે?
હવે રાજ્ય સરકાર દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂ. 2275, બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂ.2500, જુવાર (હાઈબ્રીડ) પ્રતિ ક્વિન્ટલ 3180, જુવાર (માલદંડી) પ્રતિ ક્વિન્ટલ 3225 તથા મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 2090 ના દરે લઘુત્તમ ટેકાનો ભાવ નક્કી કરાયો છે.
ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરવી પડશે
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, 'કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 300 બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના FPP(Farmers Procurement Portal) પોર્ટલ પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ માટે ખેડૂતો 27મીથી 31મી માર્ચ 2024 સુધી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી આગામી 15મી માર્ચ 2024થી કુલ 196 ખરીદ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે.