મહાકુંભના મેળામાં સ્નાન કરવા ગયેલા વધુ એક ગુજરાતીનું કરૂણ મોત, ચક્કર આવતાં ડૂબી ગયો યુવક
Mahakumbh 2025: હાલ પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. મહાકુંભમાં સ્નાનનો લ્હાવો લેવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અને મોટી મોટી હસ્તીઓ આવી રહી છે. ત્યારે મહાકુંભમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. મહાકુંભમાં સ્નાન કરવા ગયેલા ગુજરાતી યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વધુ એક શ્રદ્ધાળુનું મોત નીપજતાં શોક માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના વાસંદાના 35 વર્ષીય વિવેક રમેશ પટેલ નામનો યુવક મહાકુંભમાં સ્નાન કરવા ગયો હતો. મહાકુંભમાં સ્નાન કરતી વેળાએ અચાનક ચક્કર આવી જતાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી.
વિવેક પટેલને પાણીમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ નવસારીથી કાર લઇને મહાકુંભમાં જઇ રહેલા શ્રદ્ધાળુઓની કારને ચિત્રકૂટ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 7 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.
આ અગાઉ મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભના સેક્ટર-4માં થયેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા. જેમાં એક ગુજરાતી શ્રદ્ધાળુ મહેસાણા જિલ્લાના કડીના મહેશભાઈ સોમાભાઈ પટેલનું મોત થયું હતું.