બેંક ખાતા ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી વધુ એક ગેંગ ઝડપાઈ
સાયબર વેલી ગણાતા સુરતના મોટાવરાછામાં દરોડા : લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં અમા કોરાટી એન્ટરપ્રાઈઝમાંથી ભાડે આપવાના કારભારમાં છ ઝડપાયા
નરેશ ધડુકને એકાઉન્ટ ભાડે આપવાનું કામ આપનાર મિત્ર પણ ઝડપાયો : નરેશ જેને કરંટ એકાઉન્ટ ખોલી આપતો હતો તે બેંગ્લોરનો નિલેશ નાયક વોન્ટેડ
- સાયબર વેલી ગણાતા સુરતના મોટાવરાછામાં દરોડા : લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં અમા કોરાટી એન્ટરપ્રાઈઝમાંથી ભાડે આપવાના કારભારમાં છ ઝડપાયા
- નરેશ ધડુકને એકાઉન્ટ ભાડે આપવાનું કામ આપનાર મિત્ર પણ ઝડપાયો : નરેશ જેને કરંટ એકાઉન્ટ ખોલી આપતો હતો તે બેંગ્લોરનો નિલેશ નાયક વોન્ટેડ
સુરત, : સુરતની સાયબર વેલી તરીકે જાણીતા મોટા વરાછા વિસ્તારમાંથી બેન્ક એકાઉન્ટ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી વધુ એક ટોળકી ઝડપાઈ છે.સુરત સાયબર ક્રાઈમ પોલીસે લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટર સ્થિત અમા કોરાટી એન્ટરપ્રાઈઝમાંથી અગાઉ રત્નકલાકાર તરીકે કામ કરતા અને હાલ એકાઉન્ટ કમિશનથી આપતા યુવાન અને એકાઉન્ટ ભાડે આપનાર ચારને ઝડપી પાડી યુવાનને એકાઉન્ટ ભાડે આપવાનું કામ આપનાર મિત્રની પણ ધરપકડ કરી યુવાન જેને કરંટ એકાઉન્ટ ખોલી આપતો હતો તે બેંગ્લોરના રહીશને વોન્ટેડ જાહેર કર્યો છે.સાયબર ક્રાઈમ પોલીસે તમામના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
સાયબર ક્રાઈમ પોલીસે મળેલી બાતમીના આધારે ગતરાત્રે સુરતની સાયબર વેલી તરીકે જાણીતા મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટર ઓફિસ નં.116 અમા કોરાટી એન્ટરપ્રાઈઝમાં રેડ કરી ત્યાંથી નરેશ ધડુક અને તેને એકાઉન્ટ કમિશનથી આપનાર ચાર યુવાનોને ઝડપી લીધા હતા.સાયબર ક્રાઈમ પોલીસે ત્યાંથી રૂ.51 હજારની મત્તાના 9 મોબાઈલ ફોન, અલગ અલગ બેન્કના 11 ડેબિટ કાર્ડ, 8 ચેકબુક, રોકડા રૂ.49 હજાર મળી કુલ રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.સાયબર ક્રાઈમ પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે નરેશ વર્ષ અગાઉ રજની ખૂંટ સાથે વેલંજા ધારા ચોકડી ખોડીયાર પાનની ઉપર પ્રવિણ સથવારાના હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા.જોકે, રજનીએ ડિસેમ્બર 2023 માં નોકરી છોડીને બેન્ક એકાઉન્ટ કમિશન ઉપર આપવાનું કામ શરૂ કર્યું હતું.રજનીએ ફેબ્રુઆરી 2024 માં નરેશને વાત કરતા તેણે પણ નોકરી છોડીને રજની સાથે એકાઉન્ટ કમિશન ઉપર આપવાનું કામ શરૂ કર્યું હતું.
શરૂઆતમાં નરેશ રજનીની સૂચના મુજબ કામ કરતો હતો.જોકે, છેલ્લા અઢી મહિનાથી તેણે અહીં રત્નકલાકાર અનિલ ગિરીના નામે અમા કોરાટી એન્ટરપ્રાઈઝના નામની બોગસ પેઢી બનાવી બેંગ્લોરનો નિલેશ નાયક બોગસ બિલ પેઢીના નામે મોકલતો તેના આધારે કરંટ બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની કીટ નિલેશને મોકલવાનું શરૂ કર્યું હતું.સાયબર ક્રાઈમ પોલીસે નરેશની પુછપરછના આધારે બાદમાં રજની ખુટને પણ ઝડપી પાડી બેંગ્લોરના નિલેશ નાયકને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા તમામના બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
કોણ કોણ ઝડપાયું
(1) નરેશ ગોકળભાઇ ધડુક ( ઉ.વ.42, રહે.117, નંદિની સોસાયટી, રંગોલી ચોકડીની સામે, વેલંજા, કામરેજ, સુરત. મુળ રહે.સુખપુર, જી.જુનાગઢ )
(2) રત્નકલાકાર અનિલ નાગેશ્વર ગિરી ( ઉ.વ.28, રહે.ઘર નં.5, વિષ્ણુ કોમ્પ્લેક્ષ, રચના સર્કલની પાસે, કાપોદ્રા ચાર રસ્તા, સુરત )
(3) રત્નકલાકાર કમલેશ વિઠ્ઠલભાઇ જોષી ( ઉ.વ.38, રહે.એ-2, 103, સૌરાષ્ટ્ર ટાઉનશીપ-1, પાસોદરા, સુરત )
(4) રીક્ષા ચાલક કિશોર છગનભાઇ સભાયા ( ઉ.વ.43, રહે.એ-116, હરીદર્શન સોસાયટી, શેખપુર ગામની પાસે, વેલંજા, કામરેજ, સુરત )
(5) બેકાર પ્રફુલ રાઘવભાઇ પટેલ ( ઉ.વ.37, રહે.ઘર નં.137, નંદની સોસાયટી, શેખપુર રોડ, રંગોલી ચોકડી નજીક, વેલંજા, સુરત, મુળ રહે.તાલાલા, જી.ગીરસોમનાથ )
(6) રજની કરશનભાઇ ખુંટ ( ઉ.વ.36, રહે.ઘર નં.44, સુખ રેસિડન્સી, શેખપુર રોડ, રંગોલી ચોકડી પાસે, વેલંજા, ઓલપાડ, સુરત. મૂળ રહે.સાતપડા, તા.ગારીયાધાર, જી.ભાવનગર )
વોન્ટેડ
(1) નિલેશ નાયક ( રહે.બેંગ્લોર )
નરેશને એકાઉન્ટ દીઠ રૂ.1 લાખ કમિશન મળતું, ખાતાધારકને રૂ.15 હજાર આપતો
નવ મહિનામાં 50 એકાઉન્ટ ખોલ્યા : બાદમાં રજનીએ નિલેશનો સંપર્ક કરાવતા તેને અઢી મહિનામાં 19 ખાતા ખોલી આપ્યા
સુરત, : સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે રજનીએ વાત કરતા નરેશે ગત ફેબ્રુઆરીમાં રત્નકલાકારની નોકરી છોડીને સાયબર માફિયાઓ માટે એકાઉન્ટ કમિશનથી આપવાનું કામ શરૂ કર્યું હતું.તેને એક એકાઉન્ટ દીઠ રૂ.1 લાખ મળતા હતા અને તે જેનું એકાઉન્ટ કમિશનથી આપ્યું હોય તેને કમિશન પેટે રૂ.15 હજાર આપતો હતો.નરેશે અત્યાર સુધીમાં આવા 50 એકાઉન્ટ ખોલીને સાયબર માફિયાઓને આપ્યા છે.રજનીએ બાદમાં નરેશનો સંપર્ક બેંગ્લોરના નિલેશ નાયક સાથે કરાવતા નરેશે બોગસ પેઢી બનાવી નિલેશની સૂચના મુજબ તેને 19 સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ ખોલીને આપ્યા છે.