મુખ્યમંત્રીના મદદનીશ બાદ વધુ એક વિકેટ પડી, CMOમાંથી ઉપસચિવની બદલી કરાઈ
Deputy Secretary Transferred Gujarat CMO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંગત મદદનીશ નીલ પટેલની મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરાયા બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી વધુ એક અધિકારીને વિદાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સાફસુફી કરવામાં આવી રહી છે જે સચિવાલયમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે.
જીલ્લા પ્રમુખોની યાદી લીક થતા નીલ પટેલની હકાલપટ્ટી
આ જ સપ્તાહમાં મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલની હકાલપટ્ટી કરાઇ છે. એવો ગણગણાટ છે કે, ભાજપ જીલ્લા પ્રમુખોની યાદી જાહેર થાય તે પહેલાં સંભવિત દાવેદારોને આગોતરી જાણ થઈ ગઈ હતી. એટલુ જ નહીં, જીલ્લા પ્રમુખોનું પેપર ફુટી જતાં ભાજપની આબરુ ધુળધાણી થઇ હતી. આ બધાય માટે જવાબદાર મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
ઉપસચિવ જપન દવેને પણ વિદાય આપવામાં આવી
આ ઘટના હજુ ભૂલાઇ નથી ત્યાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ગૃહવિભાગનો પોર્ટફોલિયો સંભાળતા ઉપસચિવ જપન દવેને પણ વિદાય કરાયા છે. તેમની આરોગ્ય વિભાગમાં બદલી કરી દેવાઈ છે. જો કે, ક્યા કારણોસર જપન દવેને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બદલી કરી દેવાઈ છે તે મુદ્દે હજુ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: વાલીઓ-વિદ્યાર્થીઓ સાથે તંત્રની મજાક, 750 રૂપિયાની વન ટાઇમ સ્કોલરશિપ માટે પરીક્ષા
આ અગાઉ પણ મુખ્યમંત્રીના અંગત મદદનીશ ધ્રુમિલ પટેલને પણ ભ્રષ્ટાચારના આરોપસર ઘેર બેસવું પડ્યુ છે. આમ, અંગત મદદનીશથી માંડીને અન્ય અધિકારીઓના વિવાદને લીધે મુખ્યમંત્રી કાર્યાલય ચર્ચાના કેન્દ્રમાં રહ્યુ છે.