લોભામણી સ્કીમના નામે કરોડો રૂપિયાનું સોનું લઇ : ઉઠમણું કરનાર વરાછાના કે. પ્રકાશ જ્વેલર્સ સામે છેતરપિંડીની વધુ એક ફરીયાદ
- પુત્રીના લગ્નના દાગીના બનાવવા આવનાર આધેડને સ્કીમની લાલચ આપી ધાનક બંધુએ 100 ગ્રામ સોનાનું બિસ્કીટ પડાવી લીધું હતું
- એક વર્ષ સુધી સોનું જમા રાખશો તો વર્ષ પછી 10 ગ્રામ વધારે સોનાની લાલચ આપી હતી
સુરત
લોભામણી સ્કીમના નામે કરોડો રૂપિયાનું સોનુ લઇ રફુચક્કર થઇ જનાર વરાછાની જાણીતા કે. પ્રકાશ જ્વેલર્સના માલિક ધાનક બંધુ વિરૂધ્ધ વધુ એક છેતરપિંડીની ફરીયાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. 100 ગ્રામ સોનાનું બિસ્કીટ લઇ ઘરેણા બનાવવા આવનાર નિવૃત્ત આધેડને એક વર્ષ સોનુ જમા રાખશો તો 10 ગ્રામ વધારે સોનાની લાલચ આપી સોનુ પડાવી લીધું હતું.
ડભોલી ગામના સુવર્ણ પેલેસમાં રહેતા નિવૃત્ત ભરત માવજી લાખાણી (ઉ.વ. 56 મૂળ રહે. શાહપુર, તા. વલ્લભીપુર, જી. ભાવનગર) ની બે વર્ષ અગાઉ ડભોલી ચાર રસ્તા સ્થિત સિધ્ધેશ્વરી સોસાયટીમાં કે. પ્રકાશ જ્વેલર્સના માલિક કેવલ ધાનક અને પ્રકાશ ધાનક સાથે મિત્રતા થઇ તી. ભરતભાઇએ પુત્રી માનસીના લગ્ન માટે દાગીના બનાવવા માટે 100 ગ્રામ સોનાનું બિસ્કીટ લઇ કે. પ્રકાશ જ્વેલર્સમાં ગયા હતા. જયાં કેવલ અને યશ ધાનક સાથે દાગીના બનાવવાની વાત કરી રહ્યા હતા ત્યારે ધાનક બંધુઓએ અમારા જ્વેલર્સમાં એક સ્કીમ ચાલુ છે જે સ્કીમમાં તમે એક વર્ષ માટે સોનુ જમા રાખશો તો તમને 10 ગ્રામ વધારે સોનુ ઉમેરીને તમને ઘરેણાં બનાવી આપીશું અને આ સ્કીમ અમારા રેગ્યુલર ગ્રાહક માટે ચાલુ કરી છે. જેથી એક વર્ષમાં 10 ગ્રામ વધુ સોનાની લાલચમાં આવી ભરતે સ્કીમ મુજબ 100 ગ્રામ સોનાનું બિસ્કીટ કે. પ્રકાશ જ્વેલર્સમાં જમા કરાવ્યું હતું. જેના બદલામાં ધાનક બંધુઓએ રૂ. 5.50 લાખની કિંમતનું 100 ગ્રામ ફાઇન ગોલ્ડ જમા અને 14 માર્ચ 2023 લખેલું વાઉચર આપ્યું હતું. દરમિયાનમાં ગત મે મહિનામાં ભરતભાઇ કે. પ્રકાશ જ્વેલર્સમાં ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે તેમણે દુકાન બંધ કરી દીધી છે. જેથી ભરતે પ્રકાશને કોલ કરતા ડભોલી ચાર રસ્તાની બ્રાંચ બંધ કરી દીધી છે અને ઓગસ્ટ સુધીમાં તમારૂ સોનુ અને અથવા રોકડા મળી જશે. ઉલ્લેખનીય છે કે અગાઉ વરાછા પોલીસમાં કે. પ્રકાશ જ્વેલર્સના સંચાલકો વિરૂધ્ધ ફરીયાદ નોંધાય હતી.