જામનગરના કુખ્યાત ભુ-માફીયાના ભાઈ સામે વધુ એક કારખાનેદારે વ્યાજ વટાવ અંગે ફરિયાદ નોંધાવી
Jamnagar Vyajkhor : જામનગરના કુખ્યાત ભુ-માફિયા જયેશ પટેલના ભાઈ સામે રાક્ષસી વ્યાજ વસૂલવા અંગે તેમજ બળજબરીપૂર્વક મશીનરી વગેરે પડાવી લેવા અંગેની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક સોસાયટીમાં રહેતા અને કારખાનું ધરાવતા લાલજીભાઈ સવજીભાઈ મારકણા નામના પટેલ કારખાનેદારે પોતાના ધંધાની જરૂરિયાત માટે અલગ-અલગ સમયે જામનગરના કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા પાસેથી રૂપિયા 25 લાખની રકમ પોતાના અને પોતાના પરિવારના જુદા જુદા ખાતાઓ મારફતે મેળવી હતી, જેનું 10 ટકા લેખે રાક્ષસી ઊંચુ વ્યાજ આપ્યું હતું, અને એપ્રિલ 2024 સુધીમાં 26 લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં ધર્મેશ રાણપરીયા દ્વારા વધુ વ્યાજ વસૂલવા માટે અવારનવાર ધાકધમકી અપાઇ હતી.
દરમિયાન પોતાના કારખાને પોતે ધસી આવ્યો હતો, અને કારખાનામાંથી 10,78,000 નો માલ સામાન બળજબરીપૂર્વક છીનવીને લઈ ગયો હોવાથી આખરે મામલો પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં ધર્મેશ રાણપરીયા સામે ફરિયાદ નોંધાવવા આવી હતી.
આથી પંચકોશી બી. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે કારખાનેદાર લાલજીભાઈ મારકણાની ફરિયાદના આધારે આરોપી ધર્મેશ રાણપરિયા સામે આઈપીસી કલમ 384 તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ 5, 39, 40 અને 42 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.