વડોદરા: વાહનો ભાડે રાખી પડાવી લેનાર અશ્વિન પટેલ સામે વધુ એક ફરિયાદ
- ઓએલએક્સ પરથી ગાડી ભાડે મેળવી ભાડું નહીં ચૂકવી ગાડી અન્યને વેચી મારી
વડોદરા, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં લોકોનાં ફોર વ્હીલર ભાડે રાખવાના બહાને લીધા બાદ વાહન પરત ના કરી કે તેમને ભાડું પણ ના ચૂકવીને વાહનો વેચી મારી છેતરપિંડી કરનારા અશ્વિન પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ પ્રકારની છેતરપિંડી આચરવાના 10થી વધુ ગુના અશ્વિન પટેલ સામે અત્યાર સુધી શહેરના અલગ અલગ પોલીસ મથકે નોંધાઈ ચુક્યા છે.
તરસાલી વિસ્તારના રહેવાસી હરસીમરનસિંગ ખુરાના ખંડેરાવ માર્કેટ સ્થિત નાનક વાડી ગુરુદ્વારા ખાતે સિસ્ટમ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓએ વર્ષ 2020 દરમિયાન ટાટા મેજીક ગાડી સેકન્ડમાં ખરીદ્યા બાદ ઓએલએક્સ પર વેચાણ અર્થે મૂકી હતી. જે થકી અશ્વિન પરસોત્તમભાઈ પટેલ (રહે- સાઈ દર્શન સોસાયટી, માંજલપુર ,વડોદરા) એ સંપર્ક સાધ્યો હતો અને ગાડી ભાડે મેળવવાની વાતચીત કરી હતી. જેથી પ્રતિમાસ 10 હજાર ભાડા લેખે 11 મહિનાના ભાડાકરારની નોટરી કરાવી હતી.
દરમિયાન અશ્વિન પટેલે ભાડા પેટે આપેલો 1.30 લાખનો ચેક રિટર્ન થયો હતો. માર્ચ 2021 થી આજદિન સુધી ભાડું નહીં આપી ટાટા મેજીક ગાડી બાબતે પૂછતાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો. અશ્વિન પટેલે વાહનો બારોબાર વેચી દીધા હોવાના સમાચાર પ્રકાશિત થતાં પોતે છેતરપિંડી ના શિકાર બન્યા હોય માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અશ્વિન પટેલ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.