અંકલેશ્વરની પાનોલી GIDCમાં વિકરાળ આગ, સાત કલાક બાદ મેળવ્યો કાબૂ, એકનું મોત
Fire in Ankleshwar GIDC: અંકલેશ્વરની પાનોલી GIDCમાં સોમવારે (14મી એપ્રિલ) સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ આઠ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. સુરક્ષાની દ્રષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમના સતત સાત કલાક સુધી પ્રયાસ બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યા બાદ કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી તે સમયે એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ કંપનીના કામદારનો છે અને ગંભીર રીતે દાઝી જતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે જીઆઇડીસી પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
મેજર કોલ જાહેર કરાયો
અનુસાર માહિતી મુજબ, અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી જલ એકવા કંપનીમાં અચાનક આગ લાગી હતી. આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે, કંપની બળીને ખાખ થઈ ગઈ છે, આ આગમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તો પોલીસે પણ ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટે આવી ગયો હતો અને આ ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી અને કોઈ ઈજાગ્રસ્ત પણ થયું નથી.