જામનગરમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે ધમકીનો આક્ષેપ કરનાર સામે રૂપિયા 20 લાખના ચીટીંગનો વધુ એક ગુનો નોંધાયો
Jamnagar : જામનગરના એક કારખાનેદાર સાથે બ્રાસનો ભંગાર ખરીદવાના બહાને છેતરપિંડી કરવા અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, ત્યારબાદ તેની સામે વધુ રૂપિયા 20 લાખના ચીટીંગનો ગુનો નોંધાયો છે. જ્યારે પોતાની પાસેથી પૈસા કઢાવવા માટે મોબાઈલ ફોનમાં 'તુજે ઘરશે ઉઠવા લુંગા' તેવી ધમકી આપ્યાની ચીટર શખ્સ દ્વારા વળતી ફરિયાદ પણ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સાગર કાળુભાઈ નંદાણીયા કે જેની સામે તાજેતરમાં સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બ્રાસપાર્ટના એક વેપારીએ બી ડિવિઝન પોલીસ મથકમાં રૂપિયા તેર લાખના ચિટિંગ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
પોતાને કારખાનેદાર તરીકેની ઓળખ આપી બ્રાસનો ભંગાર ખરીદ કરી પૈસા ચૂકવવામાં હાથ ઊચા કરી લીધા હતા. જે અંગે ગુનો દાખલ થયા બાદ તેની સામે વધુ એક કારખાનેદાર સામે આવ્યા છે.
હાલ જામનગરમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના પુણેના વતની ખુશાલસિંહ રઘુજી રાજપુત કે જેઓ પોતે ઉદ્યોગ નગર વિસ્તારમાં વ્યવસાય કરે છે, જેની પાસેથી સાગર કાળુભાઈ નંદાણીયાએ મનીષ જૈન નામના અન્ય વેપારીનો ખોટું નામ ધારણ કરીને તેમજ મોદી મેટલ નામની અન્ય પેઢીના જીએસટી નંબર રજૂ કરીને 20,76,558 નો બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો, અને તેની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતાં આખરે તેની સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉપરોક્ત ગુનામાં તપાસ ચલાવી રહેલા સાગર નંદાણીયા કે જેને અગાઉના કેસમાં જેલ હવાલે થયા બાદ જામીન મળતાની સાથેજ અન્ય ફરિયાદમાં તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને રિમાન્ડ પર લેવા માટે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ પૂછપરછ દરમિયાન તેને કારખાનેદાર ખુશાલ સિંહ રાજપુતે મોબાઈલ ફોનમાં ધમકી આપ્યા અંગેની વળતી ફરિયાદ પણ નોંધાવી છે. પોતાની પાસેથી પૈસા કઢાવવા માટે મોબાઈલ ફોનમાં તો 'તુજે ઘર સે ઉઠવા લુંગા' તેવી ધમકી આપી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. જેથી પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં સાગર નંદાણીયાની ફરિયાદના આધારે કારખાને ખુશાલ સિંહ રાજપુત સામે વળતી ફરિયાદ નોંધવામાં આવી છે.