ગણેશ વિસર્જન માટે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં વધુ એક કૃત્રિમ તળાવ બનાવ્યું
Vadodara Ganesh Visarjan : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભાયલી ખાતે વધુ એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. પ્રિયા સિનેમા રોડ, નવી પાણી ટાંકીની બાજુમાં આ કૃત્રિમ તળાવ આજથી શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે આ તળાવમાં પાંચ નદીના પાણી તળાવમાં પધરાવી પૂજા વિધિ કરવામાં આવી હતી. નર્મદા, તાપી, મહી, સાબરમતી અને ત્રિવેણી સંગમનું પાણી પધરાવવામાં આવ્યું હતું. આ તળાવમાં સાત ફૂટથી ઓછી ઊંચાઈ ધરાવતી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન થઈ શકશે. વાસણા, સેવાસી, ગોત્રી, ભાયલી વગેરે વિસ્તારના ગણેશ મંડળોએ 7 ફૂટથી ઓછી ઊંચાઈના ગણેશની સ્થાપના કરી હશે તે લોકો અહીં વિસર્જન માટે આવી શકશે.
પશ્ચિમ વિસ્તારમાં વધુ એક કૃત્રિમ તળાવ બનાવવાની આવશ્યકતા ઊભી થઈ હતી, કેમ કે ગણેશ મંડળના આયોજકોને નવલખી તળાવ સુધી જવું પડતું હતું, પરંતુ આ તળાવ બનતા હવે રાહત રહેશે. અહીં 20 યુવાનોની ટીમ પણ મૂર્તિ વિસર્જન માટે રાખવામાં આવી છે. દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે તારીખ 11 ના રોજ પાંચમા દિવસનું વિસર્જન થવાનું છે, ત્યારે સમા,નવલખી, દશામા, એસ.એસ.વી સ્કૂલની સામે, માંજલપુર, લેપ્રસી ગ્રાઉન્ડ-આજવા રોડ અને ભાયલી તળાવ ખાતે વિસર્જન થઈ શકશે. દરમિયાન પોલીસ દ્વારા જણાવાયું છે કે ગણેશ મંડળોની વિસર્જન યાત્રા વિસર્જન સ્થળ સુધી મ્યુઝિક સિસ્ટમ સાથે જઈ શકશે નહીં.