Get The App

જૂનાગઢ જિલ્લામાં વધુ 1થી 3 ઇંચ વરસાદ ખેડૂતો માટે આફત સમાન

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
જૂનાગઢ જિલ્લામાં વધુ 1થી 3 ઇંચ વરસાદ ખેડૂતો માટે આફત સમાન 1 - image


આસો માસમાં વરસાદથી ખેડૂતોની કફોડી હાલત મગફળી, સોયાબીન, કઠોળ સહિતના પાકને વ્યાપક નુકસાન: વિસાવદર, મેંદરડા, કેશોદ પંથકમાં સતત વરસાદ પડતાં પાક નિષ્ફળ

 જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં આજે પણ બપોરબાદ એકથી ત્રણ ઇંચ વરસાદ થયો હતો. હાલ મગફળી, સોયાબીન, કઠોળ સહિતનો પાક તૈયાર છે ત્યારે આવેલો વરસાદ ખેડૂતો માટે આફત બન્યો છે. સતત થઈ રહેલા વરસાદથી પાક નિષ્ફળ ગયો છે. મહામહેનતે તૈયાર કરેલા પાક તો નિષ્ફળ જશે તે ઉપરાંત બિયારણ, દવા સહિતના ખર્ચ પણ માથે પડતા ખેડૂતોની કફોડી હાલત ઉભી થઇ છે.

નવરાત્રી પૂર્ણ થઈ ગઈ છે આવતીકાલ શરદપૂણમાની ઉજવણી થશે, હવામાન વિભાગ દ્વારા સતાવાર રીતે ચોમાસાની વિદાયની જાહેરાત કરવામાં આવી છે છતાં જૂનાગઢ જિલ્લામાં રોજ વરસાદ થઈ રહ્યો છે. આજે સવારે  અસહ્ય બફારા અને બપોરે આકરા તાપનો અનુભવ થયો હતો. બપોરબાદ મેઘાડંબર છવાઈ ગયું હતું. થોડીવારમાં વરસાદ શરૂ થયો હતો. આજે મેંદરડા શહેર અને તાલુકામાં ત્રણેક ઇંચ વરસાદ પડયો હતો. હાલ મગફળી, સોયાબીન, કઠોળ સહિતના તૈયાર પાક નિષ્ફળ થઈ ગયો છે. ઉપરવાસમાં વરસાદ થતા મધુવંતી નદીમાં પુર આવ્યું હતું.

આ ઉપરાંત માળીયા હાટીના, વિસાવદર, જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ એકથી દોઢ ઇંચ વરસાદ પડયો હતો. શહેરના વૈભવ ચોક, સ્ટેશન રોડ, તળાવ દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વિસાવદર તાલુકાના લાલપુર,  કાલાવડ, છાલડા સહિતના ગ્રામ્ય પંથકમાં તો સતત આઠેક દિવસથી રોજ બપોરબાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોએ ઉપાડેલા મગફળીના પાથરા પલળી ગયા છે. ઉભા સોયાબીન બળી ગયા છે.

કેશોદ તાલુકાના અજાબ, મેસવાણ સહિતનાગ્રામ્ય વિસ્તારમા પણ વરસાદ પડતાં ખેડૂતોમાં દોડધામ થઈ ગઈ હતી. ખેડૂતોએ ચાર માસ મહેનત કરી પાક તૈયાર કર્યો હતો. બિયારણ, દવા અન્ય મજૂરી સહિત વિઘા દીઠ 15-20,000નો ખર્ચ કર્યો છે. પાક તો નિષ્ફળ જશે એ ઉપરાંત ખેતી ખર્ચ પણ માથે પડતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. સરકાર અને તંત્ર જ્યાં પાક નુકસાન થયું છે એવા વિસ્તારમાં સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે એવી માંગ ઉઠી છે.


Google NewsGoogle News