ગુજરાત સરકારના બજેટમાં જાહેરાત, વડોદરામાં મેગા ફૂડ પાર્ક બનશે, એરપોર્ટનું વિસ્તરણ થશે
વડોદરાઃ રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત રાજ્યનું ૨૦૨૫-૨૬ના વર્ષ માટેનું બજેટ આજે વિધાનસભામાં રજૂ કર્યું હતું.૩.૭૦ લાખ કરોડ રુપિયાના બજેટમાં વડોદરાને લગતી આઠ જેટલી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
જેના ભાગરુપે સરકારે રાજ્યમાં પાંચ સ્થળોએ મેગા ફૂડ પાર્ક ઉભા કરવાનું પણ આયોજન કર્યું છે.જેમાં કચ્છ, અમદાવાદ, જૂનાગઢની સાથે વડોદરા અને હાલોલનો પણ સમાવેશ થાય છે.
સુરત ઈકોનોમિક રિજન સહિત ૬ ગ્રોથ હબ વિકસાવવાનું નક્કી કરાયું છે.આ માટે અમદાવાદ રિજન, વડોદરા રિજન, રાજકોટ રિજન, દરિયાકાંઠાના વિસ્તાર અને કચ્છ માટે રિજનલ ઈકોનોમિકલ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે.
સુરત, ભાવનગર અને પોરબંદર અને દાહોદની સાથે વડોદરાના એરપોર્ટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે.તેની સાથે વડોદરા એરપોર્ટનું વિસ્તરણ કરવાની પણ બજેટમાં ઘોષણા કરાઈ છે.વડોદરા સહિતના એરપોર્ટ વિસ્તરણ માટે ૨૧૦ કરોડ રુપિયા ફાળવવાની જાહેરાત કરાઈ છે.પોતાના વતનથી દૂર બીજા શહેરોમા નોકરી કરતી મહિલાઓ માટે સરકારે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું છે.આ હોસ્ટલ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ અને ગાંધીનગરમાં બનશે.તેની સાથે વડોદરા મેડિકલ કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ બનાવવામાં આવશે.
મેડિસિટી જેવી સુવિધાઓ, નવજાત શિશુઓ અને ગાયનેક માટે આઈસીયું
સુરતની સાથે વડોદરા ખાતે ગાયનેક, પીડિયાટ્રિક વિભાગ અને તેને સંલગ્ન નિયોનેટલ એટલે નવજાત શિશુઓ માટેનું આઈસીયુ, ઓબ્સેટ્રેટિક આઈસીયુ અને ગાયનેક આઈસીયુ બનાવવા માટે ૪૦ કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.અમદાવાદની જેમ ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે મેડિસિટી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રોજેકટ બહુ જલ્દી પૂરો થશે તેમ પણ બજેટની જાહેરાત દરમિયાન જણાવાયું હતું.