ઉનામાં ચાની લારી ધરાવતા અંજારના પ્રૌઢની પથ્થરના ઘા ઝીંકીને હત્યા
લારી વધાવી ઘરે જતા હતા ત્યારે કોઈએ ઢીમ ઢાળી દીધું
શોધખોળ દરમ્યાન રોડ પરથી બાઇક અને નદીના પટ્ટમાંથી લોહી લોહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
આ અંગેની વધુ વિગત મુજબ ઉના તાલુકાના અંજારમાં રહેતા
જીતુભાઈ કાનજીભાઈ સોલંકી(ઉ.વ.૫૫) ઉના બસસ્ટેન્ડ નજીક શાળા સામે ચાની લારી ધરાવતા
હતા. ઘણા સમયથી ચાની લારી ધરાવતા જીતુભાઈ અંજારથી અપડાઉન કરતા હતા. ગઈકાલે સાંજે
જીતુભાઈ લારી વધાવી બાઇક લઈ અંજાર જવા નીકળ્યા હતા. રાત્રે આઠ વાગ્યા સુધી જીતુભાઈ ઘરે ન પહોંચતા જીતુભાઈના
પુત્રવધૂએ ઉનામાં ફાઇનાન્સની ઓફિસ ધરાવતા તેના પુત્રને ફોન કર્યો હતો.
જીતુભાઈનો પુત્ર આશિષ ઉનાથી અંજાર રોડ પર શોધખોળ કરવા
નીકળ્યો હતો. ઉનાની સીમમાં આવેલી એક વાડી પાસે રોડની બાજુમાં જીતુભાઈનું બાઇક ઘોડી
ચડાવેલી હાલતમાં મળી આવ્યું હતું. આશિષભાઈએ બૂમો પાડવા છતાં જીતુભાઈનો કોઈ પતો
લાગ્યો ન હતો. અંધારૃ થઈ ગયું હોવાથી આશિષભાઈએ તેના મિત્રોને બેટરી લઈ બોલાવ્યા
હતા. તેના ત્રણ મિત્રો બેટરી લઈને પહોંચ્યા હતા, જ્યાં મચ્છુન્દ્રી નદી પટ્ટમાં તપાસ કરતા જીતુભાઈ લોહીલોહાણ
હાલતમાં મળી આવ્યા હતા. તેના માથામાં પથ્થરના ઘા મારવાથી ગંભીર ઇજા થયેલી હતી.
આશિષભાઈએ પોલીસને જાણ કરતા ઉના પી.આઈ. એમ.એન. રાણા, પીએસઆઈ જાદવ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાં
નિરીક્ષણ કરતા કોઈ અજાણ્યા શખ્સે પથ્થરના ઘા મારી જીતુભાઈની હત્યા કર્યાનું જાણવા
મળ્યું હતું.
જીતુભાઈના મૃતદેહને પી.એમ.માં ખસેડાયો હતો. આ અંગે મૃતક
જીતુભાઈના પુત્ર આશિષભાઈ સોલંકીએ ફરિયાદ કરતા ઉના પોલીસે અજાણ્યા શખ્સ સામે
હત્યાનો ગુનો દાખલ કરી એફ.એસ.એલ. અને ડોગ સ્ક્વોડની મદદથી હત્યારાને પકડવા તપાસ
હાથ ધરી હતી. મિલનસાર સ્વભાવના પ્રૌઢની પથ્થરના ઘા ઝીંકી હત્યા થયાની ઘટનાથી
પંથકમાં ચકચાર વ્યાપી ગઈ હતી.