અંજની ઇન્ડસ્ટ્રીયલ બંધ રહ્યું : અસામાજીકોએ જુગાર રમાડવા વીજ પુરવઠો ખોરવી નાંખ્યો
કારખાનેદાર પર હુમલાની ઘટનાના વિરોધમાં
-રાતે આઠથી દસ જગ્યાએ સ્ટીલની સ્ટ્રીપ નાંખી દેવાતા કેબલ તૂટી જતા વીજ પુરવઠો 8 કલાક સુધી ખોરવાયો
સુરત
અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આજરોજ સંપૂર્ણ રીતે બંધ રહ્યું હતું. કારખાનેદાર ઉપર ઘાતકી હુમલાના મુદ્દે ટેક્સટાઇલ એકમો બંધ રખાયા હતાં. બીજીબાજુ ગઈ રાત્રે અંજની વિભાગ-૨માં વીજ પુરવઠો ખોરવી નંખાયો હતો. 8થી 10 જગ્યાએ કેબલ તૂટતાં 7-8 કલાક વીજ પુરવઠો ખોવાયો હતો.
અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારખાનેદારોએ પોતાના એકમો સંપૂર્ણ બંધ રાખ્યાં હતાં. ગ્રે તાકાઓની ડીલેવરી પણ આજે કરવામાં આવી નહોતી. આજે દિવસ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના બની નહોતી અને શાંતિપૂર્ણ રીતે બંધ પાડવામાં આવ્યું હતું એમ અંજનીના વિજય માંગુકિયાએ જણાવ્યું હતું.
અંજની વિભાગ-૨ અને તેની આસપાસની ઔદ્યોગિક વસાહતોમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, એવો ગણગણાટ છે. કારખાનેદારો અને કારીગરો પણ અવારનવાર આનો ભોગ બની રહ્યાં છે. કારખાનેદાર પર હુમલાની ઘટનાના વિરોધમાં આજે બંધ રહ્યું હતું. પરંતુ ગઈ મધરાત બાદ અંજની અને માધવ ફીડરનો વીજ પુરવઠો એકાએક ખોરવાયો હતો.
કારખાનાઓ બંધ હોય તો જ કારીગર વર્ગ બહાર નીકળી શકે અને તેના માટે કેબલ ઉપર સ્ટીલની સ્ટ્રીપ 8થી 10 જગ્યાએ નાંખવામાં આવી હતી. બહારથી આવેલા તત્વો આવી હરકત કરી રહ્યાં છે. આ બહાને કારીગરોને જુગાર રમાડે છે, એવી આશંકા અહીંના કારખાનેદારોને છે. જોકે ખુલ્લી જગ્યામાં બેસીને કારીગરો જુગાર રમતાં હોય તેવુ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપનીના કર્મચારીઓને ફોલ્ટ રિપેર કરતાં સવાર પડી
ગઈ રાત્રે સવા એકની આસપાસ અંજની અને માધવ
ફીડર ઉપર ફોલ્ટ થયો હતો. જુદીજુદી 8થી 10 જગ્યાએ કેબલ તૂટી પડયાં હતાં. સ્ટીલની સ્ટ્રીપ
નાંખીને પુરવઠો ખોરવી નાખવાનું પહેલી વખત બન્યું છે. કેબલ લાઈન રીપેર કરવાનું કામ
આજે સવારના 8 વાગ્યા સુધી ચાલ્યું હતું. બે ફીડરનો વીજ
પુરવઠો ખોરવાતા અંદાજે 150 જેટલાં એકમોને અસર થઈ હતી,
એમ વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું.